- ગ્લોબલ બ્રાન્ડ ગીરની કેસર, લંડનના એરપોર્ટ પર કેસર અને હાફુસની ધૂમ
- હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક પ્રક્રિયા બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી
- એફ.પી.ઓ. બનાવી ખેડૂતો જાતે જ સીધા ડૉલર-પાઉન્ડ કમાઈ શકશે
ગાંધીનગર: “જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય.” આ ગૌરવશાળી શબ્દો છે ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરતા દિગ્વિજયસિંહ ગોહિલના, જેઓ પ્રતિ વર્ષ કેરીની સિઝનમાં ખાસ ખરીદી કરવા માટે ગુજરાત રૂબરૂ આવે છે. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા લાખો પ્રવાસી ભારતીયો માટે આ કેરી માત્ર એક ફ્રૂટ નથી, પરંતુ પોતાના વતનની મીઠી યાદ છે. હવે તો બ્રિટિશ અને યુરોપિયન પ્રજાને પણ ‘ઇન્ડિયન મેન્ગો’ નો જબરદસ્ત ચસ્કો લાગ્યો છે. સ્વાદ અને સુગંધના મામલામાં સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની લાલચટ્ટક કેરીઓને પાછળ છોડીને ગુજરાતની કેસર સાચે જ ‘સ્વાદનો રાજા’ સાબિત થઈ રહી છે.

ડી-સેપિંગથી લઈને હાઇડ્રો-કૂલિંગ: કેરીની ગ્લોબલ પ્રોડક્ટ બનવાની રોમાંચક સફર
કોઈપણ કેરી સીધી એરપોર્ટ કે વિદેશી સુપરમાર્કેટમાં પહોંચતી નથી. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કડક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ જ તેને ‘ગ્લોબલ પ્રોડક્ટ’ નું ટેગ મળે છે. રાજકોટના કુવાડવા ખાતે આવેલી APEDA માન્યતા પ્રાપ્ત ‘કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ’ના માલિક સમીર સાપરીયા જણાવે છે કે, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા અને ગલ્ફ દેશોના કડક નિયમો મુજબ કેરી પર વિશેષ પ્રોસેસિંગ કરવામાં આવે છે:
૧. ડી-સેપિંગ (De-Sapping): બગીચામાંથી સવારના ઠંડા પહોરમાં કેરી તોડીને પેક હાઉસમાં લાવી સૌથી પહેલા તેની ડીંટડીને ઊંધી રાખી કન્વેયર બેલ્ટ પર મૂકાય છે. આનાથી ડીંટડીનો ચીક (રસ) નીકળી જાય છે, જેથી કેરી લાંબો સમય કાળી પડતી નથી કે બગડતી નથી.
૨. હોટ વોટર ટ્રીટમેન્ટ (Hot Water Treatment): લીલી કેરીને 48°C થી 52°C તાપમાન ધરાવતા ગરમ પાણીમાં ૧૦ મિનિટ સુધી ડુબાડવામાં આવે છે. આ પ્રોસેસથી કેરીમાં થતો ‘એન્થ્રેકનોઝ’ (કાળા ડાઘા પડવાનો રોગ) અને સડો ફેલાવતી ફૂગ નાશ પામે છે તથા ફળમાખી (Fruit Fly) ના ઇંડા મરી જાય છે. આનાથી કેરીમાં કુદરતી ‘ઇથિલિન’ ગેસ એક્ટિવ થતાં બધી જ કેરીઓ એકસાથે એકસરખી પાકે છે.
૩. હાઇડ્રો-કૂલિંગ (Hydro-Cooling): ગરમ પાણીમાંથી કાઢેલી કેરીને તુરંત જ 10°C થી 15°C ના ઠંડા પાણીમાં ૧૦ મિનિટ રાખવામાં આવે છે. આ ઠંડકથી કેરીનો શ્વસન દર (Respiration Rate) ધીમો પડે છે, જેનાથી તેની છાલ કડક રહે છે, શેલ્ફ લાઇફ વધે છે અને પાક્યા પછી તેનો રંગ અત્યંત આકર્ષક પીળો દેખાય છે.
ખેડૂતો માટે કમાણીની નવી ક્ષિતિજો: હવે સીધા કમાઓ ડૉલર-પાઉન્ડ
પેક હાઉસ ઓનર સમીર સાપરિયા ઉમેરે છે કે, “જ્યારે પ્રોડક્ટમાં દમ હોય અને તેને આધુનિક ટેકનોલોજીનો સંગાથ મળે, ત્યારે દુનિયાભરમાં નામના મેળવી શકાય છે.” હવે દેશના ખેડૂતોએ વચેટીયાઓ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ખેડૂતો પોતાના ગ્રૂપ બનાવીને એફ.પી.ઓ. (Farmer Producer Organization) ના માધ્યમથી કેરીને સીધી વિદેશમાં એક્સપોર્ટ કરીને ડૉલર અને પાઉન્ડમાં લાખોની કમાણી કરી શકે છે. સંયુક્ત એક્સપોર્ટ કરવા પર સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસીડી અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

કેરી બાદ હવે ગુજરાતના પ્રીમિયમ શાકભાજી પણ વિદેશમાં ધૂમ મચાવશે
ગુજરાતના એગ્રી-એક્સપોર્ટ સેક્ટરમાંથી વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. નિકાસકારોના જણાવ્યા મુજબ, માત્ર કેરી જ નહીં પરંતુ ૨૦૨૬ ના ચોમાસા પછી એટલે કે આગામી સપ્ટેમ્બર મહિનાથી ગુજરાતના પ્રીમિયમ શાકભાજી જેવા કે જી–ફોર (G-4) મરચાં, ભીંડો, કારેલા, તૂરિયા અને ગલકા સહિતની લોકલ જણસો પણ આ જ આધુનિક વેક્યુમ અને પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવવા માટે રવાના કરવામાં આવશે.
