આણંદ: મહિલા અને બાળ વિકાસ વિભાગ (વડોદરા ઝોન) તથા આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદના ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ ખાતે ‘પૂર્ણા યોજના’ અંતર્ગત “પોષણ ઉડાન-૨૦૨૬ (સપનાની પાંખ)” કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવી અને તેમને શારીરિક-માનસિક રીતે સક્ષમ બનાવવાનો હતો.
જંક ફૂડને કહો ‘ના’, મિલેટ્સને કહો ‘હા’
મંત્રી કમલેશ પટેલે કિશોરીઓને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર”ના સંકલ્પને સાકાર કરવા કિશોરીઓનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. તેમણે પીઝા-બર્ગર જેવા મેદાના ખોરાકને બદલે ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) જેવા કે બાજરી, જુવાર અને રાગીને ખોરાકમાં સામેલ કરવા ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, જો ખોરાક સાત્વિક હશે તો જ હિમોગ્લોબીનની ઉણપ દૂર થશે અને દીકરીઓ IPS અધિકારી કે સૈનિક બની દેશની રક્ષા કરવાના સપના સાકાર કરી શકશે.
મિલેટ્સ અભિયાન અને કિશોરીઓ સાથે સંવાદ
સાંસદ મિતેશ પટેલે દીકરીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના ભવિષ્યના લક્ષ્યો વિશે જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું કે જંક ફૂડને કારણે યુવાનોમાં ગંભીર બીમારીઓ વધી રહી છે, જેની સામે પૌષ્ટિક આહાર એકમાત્ર ઈલાજ છે. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું કે, સરકાર દીકરીઓના બાળપણથી લઈને માતા બનવા સુધીના તમામ તબક્કે પોષણ પૂરું પાડવા કટિબદ્ધ છે. તેમણે આંગણવાડીઓમાં વોટર પ્યુરિફાયર અને ફેનની સુવિધાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓના સહયોગથી પૌષ્ટિક કીટ વિતરણની માહિતી આપી હતી.
વિવિધ સ્પર્ધાઓ અને પ્રદર્શન
કાર્યક્રમ દરમિયાન ટાઉનહોલ ખાતે શ્રી અન્ન (મિલેટ્સ) અને અન્ય સ્વાસ્થ્યવર્ધક વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિશોરીઓ માટે પતંગ ડિઝાઇન સ્પર્ધા, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને કોથળા દોડ જેવી રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, પ્રોગ્રામ ઓફિસર તેજલબેન તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
