ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં કુદરતી આફત ત્રાટકી છે. હર્ષિલ નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભયાનક ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃત્યુ થયા છે અને 60થી વધુ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 12થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.
SDRF, NDRF, ITBP અને ભારતીય સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ભારતીય સેનાના લગભગ 150 જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બચાવ કામગીરી સતત ચાલુ છે અને ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ દુર્ઘટના પર દેશભરમાંથી સંવેદનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી પરિસ્થિતિની માહિતી મેળવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાહત અને બચાવ કાર્ય માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી મદદની ખાતરી આપી છે.
उत्तरकाशी के धराली में हुई इस त्रासदी से प्रभावित लोगों के प्रति मैं अपनी संवेदना व्यक्त करता हूं। इसके साथ ही सभी पीड़ितों की कुशलता की कामना करता हूं। मुख्यमंत्री पुष्कर धामी जी से बात कर मैंने हालात की जानकारी ली है। राज्य सरकार की निगरानी में राहत और बचाव की टीमें हरसंभव…— Narendra Modi (@narendramodi) August 5, 2025
કેન્દ્રીય મંત્રી અજય તમતાએ જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન સંપૂર્ણ રીતે સક્રિય છે અને અસરગ્રસ્તોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પીડિતોની સલામતી માટે પ્રાર્થના કરી છે. આ કુદરતી આફતથી ધારાલી ગામમાં ભારે વિનાશ થયો છે, પરંતુ બચાવ ટીમોની સક્રિયતાથી વધુ જાનહાનિ અટકાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
