ધરોઈ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ, ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૪ દરવાજા ખોલીને કુલ ૩૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.
પાણીના પ્રવાહને કારણે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલો સતલાસણા-વડાલીને જોડતો નેશનલ હાઇવે ૫૮ પાણીમાં ડૂબી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તાને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પત્ર મુજબ, સુરક્ષાના કારણોસર મુલાકાતીઓ માટે પણ ધરોઈ ડેમ પર પ્રવેશ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હાલમાં ડેમ ખાતે વિવિધ પ્રકારની ડેવલપમેન્ટની કામગીરી પણ ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. ડેમ પર પૂર નિયંત્રણ અધિકારી, ધરોઈ કોલોની દ્વારા જાહેર પત્ર જારી કરીને લોકોને પૂર નિયંત્રણની કામગીરીમાં સહકાર આપવાની વિનંતી કરવામાં આવી છે.
જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને જાહેર કરવામાં આવેલા નિર્દેશોનું પાલન કરે.
