ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે 6 એપ્રિલ 2026ના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પક્ષનો ધ્વજ લહેરાવી ભારત માતા, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીનું સંબોધન : ભાજપ એ જનસેવાનું માધ્યમ છે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે જનસેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી જે વિકાસની રાજનીતિ શરૂ કરી, તેને આજે વિશ્વએ સ્વીકારી છે. ગુજરાતનું બજેટ જે ક્યારેક 9 હજાર કરોડ હતું, તે આજે ભાજપના શાસનમાં 4.08 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. પક્ષે મહિલાઓ માટે 33 ટકા અનામત જેવી ઐતિહાસિક પહેલ કરી છે. તેમણે ઉમેર્યું કે, “જેટલું બોલવું એટલું કરવું” એ ભાજપની આગવી કાર્યશૈલી છે અને તેના કારણે જ જનતાનો અતૂટ ભરોસો પક્ષ પર છે.

પ્રદેશ અધ્યક્ષના કોંગ્રેસ પર પ્રહાર: “ગુજરાતીઓ જડબાતોડ જવાબ આપશે”
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને “અભણ” અને “મૂર્ખ” કહેવા બદલ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જે ધરતીએ ગાંધીજી, સરદાર પટેલ અને નરેન્દ્રભાઈ મોદી જેવા સપૂત આપ્યા છે, તેનું અપમાન સાડા છ કરોડ ગુજરાતીઓ ક્યારેય સહન નહીં કરે.

તેમણે ભાજપના ઈતિહાસને વાગોળતા જણાવ્યું કે, 1984માં માત્ર 2 બેઠકો ધરાવતો પક્ષ આજે જનતાના આશીર્વાદથી વિશાળ વટવૃક્ષ બન્યો છે. કલમ 370ની નાબૂદી, રામ મંદિરનું નિર્માણ અને UCC કાયદો પસાર કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે તે કાર્યકર્તાઓના સમર્પણનું પરિણામ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આહવાન
કાર્યક્રમના અંતે, જગદીશભાઈ વિશ્વકર્માએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય સંકલ્પ સાથે કાર્યરત રહેવા અને તમામ સ્થાનો પર ભાજપનો ભગવો લહેરાવવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગોરધનભાઈ ઝડફિયા અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
