વડોદરા: વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ વહીવટી તંત્રની ‘મનસ્વીતા’ સામે અવાજ ઉઠાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે પત્ર લખ્યો છે, તેણે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ગંભીર મુદ્દે હવે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોકે, સાંસદે આ મામલે સંતુલિત અભિગમ અપનાવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ પત્ર વિશે સત્તાવાર કોઈ માહિતી નથી.
‘ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆત આવકાર્ય’
સાંસદ ડો. હેમાંગ જોષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ્યારે મુખ્યમંત્રી કે અન્ય કોઈ સ્તરે પ્રજાના હિત માટે રજૂઆત કરે છે, ત્યારે તે હંમેશા આવકાર્ય હોય છે.” ધારાસભ્યોએ પત્રમાં કરેલા આક્ષેપો અંગે તેમણે ઉમેર્યું કે, કયા ધારાસભ્યએ કોને શું રજૂઆત કરી છે તે હજુ તેમના ધ્યાને આવ્યું નથી, પરંતુ એકવાર પત્ર મળ્યા બાદ તેઓ પોતે આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરશે.
અધિકારીઓ સાથેના અનુભવ પર સ્પષ્ટતા
જ્યારે ધારાસભ્યોએ કલેક્ટર અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પર ‘ગુલાબી ચિત્ર’ બતાવવાના અને ધારાસભ્યોને અવગણવાના આક્ષેપ કર્યા છે, ત્યારે સાંસદે અલગ સૂર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ તેમની સાથે સંકલનમાં રહે છે અને અત્યાર સુધી તેમને વહીવટી તંત્ર તરફથી કોઈ કડવો અનુભવ થયો નથી.”
કોંગ્રેસના પ્રહાર સામે વળતો પ્રહાર
આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી, તેના પર સાંસદ હેમાંગ જોષીએ વળતા પ્રહાર કર્યા હતા. તેમણે પક્ષની એકતા અને શાસનની પારદર્શિતા પર ભાર મૂકતા વિપક્ષના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
નોંધનીય છે કે ડભોઈ, સાવલી, વાઘોડિયા, કરજણ અને પાદરાના ધારાસભ્યોએ સંયુક્ત રીતે પત્ર લખીને અધિકારીઓ પ્રજાને “ધારાસભ્ય પાસે કેમ ગયા?” તેવું કહીને ધમકાવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. હવે સાંસદની આ તપાસ અને મુખ્યમંત્રીના સંભવિત પગલાં પર સૌની નજર ટકેલી છે.
