ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. “મિશન ગુજરાત” ના ભાગરૂપે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે આયોજિત “પરિવર્તન લાવો, કિસાન બચાવો સભા” માં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં રાજ્યના અનેક અગ્રણી નેતાઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ઠાકોર સમાજ અને આદિવાસી નેતાઓનું AAPમાં જોડાણ
અરવિંદ કેજરીવાલે ખેસ પહેરાવીને રાજ્યના વિવિધ સમાજના આગેવાનોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જોડાનાર મુખ્ય નેતાઓની યાદી નીચે મુજબ છે:
- દયાલ ઠાકોર: માણસાના યુવા નેતા અને ઠાકોર સમાજના અગ્રણી.
- આશાબેન ઠાકોર: દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન (2015-2020) અને ઠાકોર સમાજના આગેવાન.
- રાજુભાઈ વલવાઈ: ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય પ્રવક્તા.
- મેહુલભાઈ તાવિયાડ: આદિવાસી સમાજના યુવા નેતા.
આ પ્રસંગે AAP નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને પ્રવીણ રામ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આવતીકાલે સુરતમાં બુથ કાર્યકર્તા સંમેલન
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે આવતીકાલે સુરત ખાતે “ક્ષેત્રીય બુથ કાર્યકર્તા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન દ્વારા આમ આદમી પાર્ટી પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો કરશે. કેજરીવાલ આ સંમેલનમાં ખાસ હાજરી આપીને કાર્યકર્તાઓને આગામી ચૂંટણી માટે જીતનો મંત્ર આપશે.
