વડોદરા: શહેરમાં ઈમરજન્સી સેવાની ક્ષમતામાં વધારો થયો છે તે ત્યારે સાબિત થયું જ્યારે ૧૦૮ એર એમ્બ્યુલન્સ દ્વારા એક દર્દીને તાત્કાલિક વડોદરાથી મુંબઈ ખસેડવામાં આવ્યા. વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૬૮ વર્ષીય હીનાબેન જીતેન્દ્રભાઈ ઠક્કરને ગંભીર શ્વાસ સંબંધિત તકલીફ (અસ્થમા) જણાતા, તબીબોએ તેમને વધુ વિશેષ સારવાર માટે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવાની સલાહ આપી હતી.
તબીબી નિષ્ણાતોની આ સલાહને પગલે દર્દીને ઝડપી અને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માટે ૧૦૮ એર એમ્બ્યુલન્સ સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તબીબી ટીમની દેખરેખ હેઠળ સફળ ઓપરેશન
વડોદરાથી મુંબઈ સુધીની આ સમગ્ર પ્રક્રિયા નિષ્ણાત તબીબી ટીમની સીધી દેખરેખ હેઠળ અત્યંત સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે એર એમ્બ્યુલન્સમાં દર્દી માટે જરૂરી તમામ જીવનરક્ષક સાધનો અને આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ હતી. જેને પગલે દર્દીને સમયસર અને સલામત રીતે મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. જેને પગલે હાલમાં દર્દી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.
૧૦૮ ઇમરજન્સી સેવાની મહત્વપૂર્ણ ભૂમિકા
ગંભીર સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં જ્યારે સમય મર્યાદિત હોય છે, ત્યારે ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા પૂરી પાડવામાં આવતી આ પ્રકારની એર એમ્બ્યુલન્સ સેવાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ઝડપી અને કાર્યક્ષમ આરોગ્ય સેવાઓને કારણે જટિલ કેસોમાં પણ દર્દીઓને સમયસર સારવાર મળી રહે છે, જેનાથી કિંમતી જિંદગીઓ બચાવવામાં મોટી સફળતા મળી રહી છે.
