અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે મોટો સુરક્ષા ખળભળાટ મચી ગયો હતો. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઇન્ડિગો (IndiGo) એરલાઈન્સની ફ્લાઈટ (ફ્લાઇટ નંબર 6E 058) માં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ, વિમાનનું તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ ફ્લાઇટમાં ૧૮૦થી વધુ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટના શનિવારે બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ફ્લાઇટ હવામાં હતી.
ધમકી અને લેન્ડિંગની સમગ્ર ઘટના
આ બોમ્બની ધમકી બે અલગ-અલગ સ્રોતમાંથી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સક્રિય બની હતી:
ઇમેઇલ દ્વારા ધમકી: હૈદરાબાદ એરપોર્ટ પર ‘મોહમ્મદ’ નામનો ઉલ્લેખ કરતો એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ દ્વારા તાત્કાલિક આ માહિતી અમદાવાદ ATC (એર ટ્રાફિક કંટ્રોલ) સાથે શેર કરવામાં આવી હતી.
મુસાફર દ્વારા દાવો: આ ઉપરાંત, ફ્લાઇટની અંદર એક મુસાફરે અચાનક બોમ્બ હોવાનો દાવો કર્યો હતો, જેના કારણે ક્રૂ અને અન્ય મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
બંને ધમકીઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ATC દ્વારા પાયલોટને તાત્કાલિક ઉતરાણ કરવાની સૂચના આપવામાં આવી હતી. સવારે ૧૧:૩૦ વાગ્યે વિમાને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું.
સુરક્ષા વ્યવસ્થા સઘન: બોમ્બ સ્ક્વોડ અને CISF કામે લાગી
ઇમરજન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક ધોરણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ભારે પોલીસ, CISF કર્મચારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) ની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને CISF કર્મચારીઓ દ્વારા પ્લેનનું સઘન નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
બોમ્બની ધમકી આપનાર મુસાફરની તાત્કાલિક અટકાયત કરવામાં આવી છે અને અમદાવાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે તેણે આ ધમકી શા માટે આપી. આ ધમકી સાચી છે કે ખોટી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી છે.
