સુરત: દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બનેલી બે સહેલીઓના સામૂહિક આપઘાતની ઘટનાએ હવે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. આ મામલાની ગંભીરતા એટલી વધી ગઈ છે કે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ના માલિક એલોન મસ્કે (Elon Musk) પણ આ ઘટનાની નોંધ લીધી છે. મસ્કે આ ઘટના અંગે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે.
શું છે સમગ્ર મામલો?
સુરતની ૧૮ વર્ષીય રોશની શિરસાઠ અને ૨૦ વર્ષીય જોસના ચૌધરી નામની બે સહેલીઓએ ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન (Anesthesia Injections) લઈને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને યુવતીઓએ આત્મહત્યા કરવા માટેની રીત અને માહિતી મેળવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ ચેટ જીપીટી (ChatGPT) નો ઉપયોગ કર્યો હતો.

એલોન મસ્કની પ્રતિક્રિયા: “Yikes”
એક્સ (X) પર એક યુઝરે જ્યારે આ સમાચાર શેર કર્યા કે ભારતના સુરતમાં બે યુવતીઓએ AI ની મદદથી આપઘાતની માહિતી મેળવીને જીવન ટૂંકાવ્યું છે, ત્યારે એલોન મસ્કે આ પોસ્ટને રિટ્વીટ કરી હતી. મસ્કે તેના પર માત્ર એક શબ્દ લખ્યો – “Yikes”. અંગ્રેજીમાં આ શબ્દનો પ્રયોગ અત્યંત આશ્ચર્ય, ડર અથવા કોઈ ચોંકાવનારી નકારાત્મક ઘટના જોઈને કરવામાં આવે છે. મસ્કની આ પ્રતિક્રિયા સૂચવે છે કે AI ટેકનોલોજીનો આવો દુરુપયોગ કેટલો ભયાનક હોઈ શકે છે.
AI ના દુરુપયોગ પર ઉઠ્યા સવાલો
બંને યુવતીઓએ એનેસ્થેસિયાના ઓવરડોઝથી મૃત્યુ કેવી રીતે થાય અને તે માટે કયા ઇન્જેક્શનની જરૂર પડે તેની તમામ વિગતો ચેટ જીપીટી પાસેથી મેળવી હોવાનું મનાય છે. આ ઘટનાએ એઆઈ (AI) સેફ્ટી અને તેના પરના નિયંત્રણો અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સુરત પોલીસ હાલમાં આ દિશામાં વધુ તપાસ કરી રહી છે કે ખરેખર ચેટ જીપીટીએ આવી સંવેદનશીલ માહિતી કેવી રીતે પૂરી પાડી.
