ખંભાત: ભારતીય ચૂંટણી પંચના સ્થાપના દિવસ નિમિત્તે દર વર્ષે ૨૫ જાન્યુઆરીને ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાત ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે કલેક્ટરે લોકશાહીના પાયાને મજબૂત કરવા માટે યુવા મતાધિકારના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ડિજિટલ સુરક્ષા અને જવાબદારી
વર્તમાન ટેકનોલોજી અને એઆઈ (AI) ના યુગમાં સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી (Misinformation) અંગે ચિંતા વ્યક્ત કરતા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ‘વેરીફાય બીફોર ફોરવર્ડીંગ’ (Verify Before Forwarding) અભિયાન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “કોઈપણ માહિતીને ફોરવર્ડ કરવાનું બટન દબાવતા પહેલા તેને ઇલેક્શન કમિશન (ECI) ની અધિકૃત વેબસાઈટ પરથી ચકાસવી એ જવાબદાર નાગરિકની નિશાની છે. ખોટી માહિતીને રોકવી (Counter) એ પણ આપણી નૈતિક ફરજ છે.”
મતદાર સાક્ષરતા અને યુવા ભાગીદારી
કલેક્ટરે કોલેજોમાં કાર્યરત ‘મતદાર સાક્ષરતા ક્લબ’ (ELC) અને ‘કેમ્પસ એમ્બેસેડર’ને વધુ સક્રિય થવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે દરેક કેમ્પસમાં પાત્રતા ધરાવતા તમામ યુવાનોની નોંધણી થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે જ તેમણે આણંદ જિલ્લાની ગૌરવશાળી સિદ્ધિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ માં મતદાર યાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ આણંદ જિલ્લા ચૂંટણી તંત્રને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરવામાં આવનાર છે.
કર્મચારીઓ અને વિશિષ્ટ મતદારોનું સન્માન
કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીની પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બીએલઓ (BLO), નાયબ મામલતદાર અને ચૂંટણી તંત્રના અધિકારી-કર્મચારીઓને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકશાહીના સર્વસમાવેશી અભિગમને સાર્થક કરતા દિવ્યાંગ, વયોવૃદ્ધ અને થર્ડ જેન્ડર મતદારોનું સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. નવા નોંધાયેલા યુવા મતદારોને આ તકે તેમનું પ્રથમ ચૂંટણી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટેની ‘મતદાતા પ્રતિજ્ઞા’ લીધી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર. એસ. દેસાઈ, નાયબ ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
