વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું નિકંદન કરીને ‘વિરપ્પન’ બનતા લાકડા માફિયાઓએ પ્રકૃતિ પ્રેમીઓ અને સામાન્ય જનતામાં આક્રોશ ફેલાવ્યો છે. વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસેના એક ખેતરમાંથી લીલા વૃક્ષોના કટીંગનો મસમોટો જથ્થો ઝડપાયો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટ તંત્રની રહેમનજર હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.
માહિતી મુજબ, આ ગોરખધંધામાં ૬૦ થી ૭૦ જેટલા મસમોટા વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરવામાં આવ્યું હતું. કાપેલા લાકડાને સગેવગે કરવા માટે બે આઇશર ટ્રક અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે સમગ્ર કૌભાંડની ગંભીરતા દર્શાવે છે.
પ્રકૃતિ પ્રેમીનો ફોન અને તંત્રની દોડધામ
આ ગેરકાયદેસર કટીંગનો પર્દાફાશ કોઈ વહીવટી અધિકારી દ્વારા નહીં, પરંતુ એક પ્રકૃતિ પ્રેમી દ્વારા વહીવટી તંત્રને ફોન કરીને માહિતી આપવાથી થયો હતો. પ્રકૃતિ પ્રેમીના ફોન બાદ વહિવટી તંત્ર દોડતું થયું હતું, પરંતુ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ એકબીજાને ખો આપીને જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હોવાના આક્ષેપો પણ થયા છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે ‘વૃક્ષો વાવો પ્રકૃતિ બચાવો’ના સૂત્રનો આ ભ્રષ્ટ તંત્રએ જાણે દાટ વાળ્યો છે અને વૃક્ષોના જતન તથા જાળવણીમાં વહિવટી તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે.
મોડેમોડે કાર્યવાહી: DDOએ લીધો નિર્ણય
જનતાના રોષ અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મોડે મોડે જિલ્લા વિકાસ અધિકારી (DDO)એ આ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. મામલતદારે તાત્કાલિક પગલાં લેતાં ૬૦ થી ૭૦ જેટલા મસમોટા વૃક્ષોના કટીંગનો જથ્થો કબજે કર્યો છે.
હાલમાં પોલીસે લાકડા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવાનો પ્લાન હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટીંગના આ ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં વહિવટી તંત્રની કડક કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.
