વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ તથા હેરાફેરીને અસરકારક રીતે અટકાવવા માટે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શનના આધારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) દ્વારા તા. ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
વડોદરા શહેર એસ.ઓ.જી. (SOG) ને ચોક્કસ બાતમી મળી હતી કે, છાણી ગામમાં રહેતો હરજીન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર નામનો ઇસમ છાણી ગુરુદ્વારા પાસે ભારત પેટ્રોલપંપની સામે આવેલ ટેમ્પા-ટ્રકના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં બેસીને દરરોજ ડ્રાઇવરોને હેરોઇનની પડીકીઓનું વેચાણ કરે છે.
₹ ૨.૨૬ લાખના હેરોઇન સાથે આરોપીની ધરપકડ
બાતમીના આધારે SOGની ટીમે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન આરોપી હરજીન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર સંતોકસિંગ ઓલખ ઝડપાઇ ગયો હતો. આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે અને વગર પાસ-પરમીટે/લાયસન્સે આર્થિક ફાયદા સારુ વેચાણ કરવાના હેતુથી રાખવામાં આવેલો માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સ નેટ વજન ૧૧ ગ્રામ ૩૨૦ મીલીગ્રામ મળી આવ્યો હતો. આ જથ્થાની કિંમત રૂ. ૨,૨૬,૪૦૦/- આંકવામાં આવી છે.
પકડાયેલ આરોપીની વિગતો:
- નામ: હરજીન્દરસિંગ ઉર્ફે બોબી સરદાર સંતોકસિંગ ઓલખ
- હાલ રહેઠાણ: રૂદ્રા એન્કલેવ, મારૂતિ હાઇટસની બાજુમાં, છાણી ગામ પાછળ, વડોદરા શહેર
- મૂળ રહેઠાણ: ત્રણ નંબરની ગલી, ભલ્લા કોલોની, છેહરતા, જી. અમૃતસર, પંજાબ
પોલીસે આરોપી વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કુલ ₹ ૨.૩૪ લાખનો મુદ્દામાલ કબજે
આરોપી પાસેથી હેરોઇનના જથ્થા ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જેમાં:
- માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સ (કિં. રૂ. ૨,૨૬,૪૦૦/-)
- એક મોબાઇલ ફોન (કિ.રૂ. ૫,૦૦૦/-)
- માદક પદાર્થ હેરોઇનના વેચાણના રોકડા રૂ. ૩,૩૦૦/- મળી કુલ રૂ. ૨,૩૪,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
આ કેસમાં ગરદયાલસિંગ (રહે. જહાજગઢ, જી. અમૃતસર, પંજાબ) નામના એક અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા ૨૮ દિવસમાં વડોદરા પોલીસની ડ્રગ્સ સામેની મોટી ઝુંબેશ
વડોદરા શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોને નેસ્ત નાબૂદ કરવા છેલ્લા ૨૮ દિવસમાં (૦૯/૧૨/૨૦૨૫ની તારીખ મુજબ) કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સામે NDPS એક્ટ હેઠળ કુલ- ૨૧ કેસો કરવામાં આવ્યા છે. આ કેસોમાં ગાંજો, હાઇબ્રીડ ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ, અફીણ, હેરોઇન, અને નશાકારક કફ સિરપ સહિતનો કુલ રૂ. ૪૪,૧૦,૨૬૯/- નો મુદ્દામાલ કબજે કરીને કુલ ૨૫ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન, વડોદરા પોલીસે NDPS એક્ટ હેઠળ કુલ ૪૦ કેસો કરીને રૂ. ૨,૦૦,૦૭,૬૯૫/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.