ખેડા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતેથી ૭૬મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની એક મજબૂત ઈકો સિસ્ટમ ઊભી કરી છે.
વન મંત્રી અને વન રાજ્ય મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં, મુખ્યમંત્રીએ ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યું, જે રાજ્યના ૨૪મા સાંસ્કૃતિક વન તરીકે ૭ હેક્ટરમાં નિર્માણ પામ્યું છે. તેમણે કહ્યું કે, “આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે.” તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી વન સાથે જનને જોડતા વન મહોત્સવ હવે જન ઉત્સવ બની ગયા છે. ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે પર્યાવરણ સંતુલન અને ‘ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ’ જરૂરી છે.
માનનીય મોદીજીના માર્ગદર્શનમાં એન્વાયર્મેન્ટ-ફ્રેન્ડલી વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે ગુજરાત.. #VanMahotsavGujarat pic.twitter.com/1JTz3X2Zj4— Bhupendra Patel (@Bhupendrapbjp) August 30, 2025
પર્યાવરણ સંરક્ષણની પહેલો અને સિદ્ધિઓ
મુખ્યમંત્રીએ ‘એક પેડ મા કે નામ’ ૨.૦ અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય છે. તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, અગાઉના વર્ષમાં ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું હતું. રાજ્યમાં વન બહારના વિસ્તારોમાં ૧૧૪૩ ચોરસ કિલોમીટરનો વન આવરણ વધારો થયો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટીની વેબસાઇટનું લોન્ચિંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ, તેમજ વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે પણ પર્યાવરણ જાગૃતિ અને સામાજિક વનીકરણના પ્રયાસો વિશે માહિતી આપી હતી.
