દિલ્હી: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ અને ‘મૂર્ખ’ ગણાવતા નિવેદન બાદ સર્જાયેલા ભારે વિરોધને જોતા અંતે માફી માંગી લીધી છે. કેરળમાં એક ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળના લોકો શિક્ષિત છે.” આ નિવેદનનો વીડિયો વાયરલ થતા જ સમગ્ર ગુજરાતમાં રોષની જ્વાળા ફાટી નીકળી હતી.
સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ખેદ
ચોતરફથી ઘેરાયેલા મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે અંગ્રેજી અને હિન્દીમાં લખ્યું કે, “તાજેતરમાં કેરળમાં મારા ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણી જોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને રહેશે. ત્યાંના લોકોની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.”

ચૂંટણીમાં નુકસાનની ભીતિ અને ભાજપનો વિરોધ
રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ મુદ્દો કોંગ્રેસ માટે મોટો આર્થિક અને રાજકીય ફટકો સાબિત થઈ શકે તેમ હતો. ભાજપે આ નિવેદનને ‘ગુજરાતની અસ્મિતા’ સાથે જોડીને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ચૂંટણીમાં મોટા નુકસાનની સંભાવનાને જોતા હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલ કરવા માટે માફી માંગી હોઈ શકે છે.
સાંસદ હેમાંગ જોષીનો આકરો પ્રહાર
ખડગેની માફી બાદ વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ ટ્વીટ કરીને આકરો પ્રહાર કર્યો હતો. તેમણે લખ્યું કે, “જે થઈ ગયું તે થઈ ગયું, હવે તે બદલાશે નહીં… ભલે તમે ઈટાલી જાઓ કે લંડન. મિસ્ટર ખડગે, ઢાંકણીમાં પાણી ભરી લો. એક-એક ગુજરાતી તમને જવાબ આપશે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આ મુદ્દાને આસાનીથી છોડવાના મૂડમાં નથી અને સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘેરવા માટે આ હથિયારનો ઉપયોગ ચાલુ રાખશે.

