ગાંધીનગર: દેશ અને દુનિયામાં આવતા ભૂકંપોની સચોટ આગાહી, અર્લી વોર્નિંગ સિસ્ટમ અને બાંધકામોને ભૂકંપ પ્રૂફ બનાવવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે આજથી ત્રણ દિવસીય ૯મી વૈશ્વિક પરિષદ ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ નો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
૯ દેશોના તજજ્ઞોનું વૈશ્વિક મંચ
આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત જાપાન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, જ્યોર્જિયા, તાઈવાન, પોર્ટુગલ અને નેપાળ જેવા ૯ દેશોના ભૂકંપ સંશોધન ક્ષેત્રના અગ્રણી વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ૨૦૧૧માં સ્થાપિત ISR આજે વિશ્વભરને માર્ગદર્શન આપી રહી છે. આ પરિષદમાં હિમાલયન સિસ્મોલોજી અને છેલ્લા ૨૫ વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલા વિકાસ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.”
૨૦૦૧ના ભૂકંપ બાદ ગુજરાતની સજ્જતા
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના કચ્છના વિનાશક ભૂકંપને યાદ કરતા અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, ગુજરાતે તે આપત્તિમાંથી શીખીને આજે સિસ્મોલોજી ક્ષેત્રે વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. રાજ્યમાં કચ્છ સહિત ચાર સિસ્મોલોજિકલ ઝોન આવેલા છે. આ કોન્ફરન્સમાં રજૂ થનારા સંશોધન પેપરો દ્વારા પુલ, ડેમ અને ગગનચુંબી ઇમારતોને ભૂકંપ સામે કેવી રીતે સુરક્ષિત બનાવવી તેના પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
તજજ્ઞોના વિચારો
ડો. વી.પી. ડિમરી (ISES વાઇસ પ્રેસિડેન્ટ): આ પરિષદ પોલિસી મેકર્સ અને યુવા વૈજ્ઞાનિકો માટે ભૂકંપ વિજ્ઞાન સમજવા માટે એક સેતુ સમાન છે.
ડો. હિથર ડિસોન (USA): ગહન વૈજ્ઞાનિક સમજ કેળવવા આંતરરાષ્ટ્રીય સહયોગ અનિવાર્ય છે.
પ્રો. હર્ષ ગુપ્તા (પૂર્વ સભ્ય, NDMA): આ કાર્યક્રમ ગુજરાતની સાયન્સ ડ્રિવન પોલિસી અને ડિઝાસ્ટર રિઝિલિયન્ટ એક્શન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ISRના ડાયરેક્ટર જનરલ ડી.ડી. જાડેજાએ દેશ-વિદેશના મહેમાનોનું સ્વાગત કરતા આશા વ્યક્ત કરી હતી કે આ મંથન ભવિષ્યમાં ભૂકંપથી થતી જાન-માલની નુકસાની ઘટાડવામાં મહત્વનું યોગદાન આપશે.
