વડોદરા: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વચ્ચે, વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામના ખેડૂત સંજયભાઈ વલ્લભભાઈ પટેલે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૫૦ વર્ષીય સંજયભાઈએ તેમની ૨૨ વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને IoT (Internet of Things) જેવી આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને એક સફળ મોડેલ તૈયાર કર્યું છે.
અગાઉ શિપિંગ કંપનીમાં કામ કરતા સંજયભાઈએ તણાવ અને અનેક રોગોથી પીડાઈને નોકરી છોડી. પ્રકૃતિ તરફ વળ્યા બાદ તેમને માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થઈ. વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી તેમની આ ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. તેઓ શાકભાજી, ફળો અને ઔષધીય છોડની મિશ્ર ખેતી કરી વાર્ષિક રૂ. ૪ થી ૫ લાખની આવક મેળવે છે.
ગૌશાળા અને કુદરતી ઉત્પાદનો:
સંજયભાઈની ગૌશાળા તેમની ખેતીનું કેન્દ્રબિંદુ છે. તેઓ લગભગ ૩૩ ગાયોની સેવા કરે છે, જેનું દૂધ અને અન્ય ઉત્પાદનોનો ઉપયોગ તેઓ ઔષધીય ગુણોથી ભરપૂર ઘી અને અન્ય કુદરતી ઉત્પાદનો બનાવવા માટે કરે છે. તેમનો “સ્વયુર આયુર્વેદ સ્ટોર” ગૌમુત્ર અર્કથી લઈને ફ્લોર ક્લીનર સુધીના ૧૨૦૦ જેટલા ઉત્પાદનોનું નિર્માણ કરે છે.
ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ:
સંજયભાઈએ પોતાની ખેતીમાં IoT આધારિત સિસ્ટમ ગોઠવી છે. આ સિસ્ટમથી ખેતરનું તાપમાન, પવનની ગતિ, વરસાદ અને જમીનની ભેજ જેવા પરિમાણોનું સચોટ નિરીક્ષણ થાય છે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેઓ સિંચાઈ અને સ્લરીના વિતરણ જેવી પ્રક્રિયાઓને નિયંત્રિત કરે છે. આ પદ્ધતિએ તેમની ઉપજની ગુણવત્તા અને ઉત્પાદકતામાં વધારો કર્યો છે.
સંજયભાઈનો ધ્યેય માત્ર આર્થિક ઉપાર્જનનો નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ફેલાવવાનો પણ છે. તેઓ ભવિષ્યમાં તુલસી અને લેમનગ્રાસના છોડ ઉગાડી તેનો એસેન્સ બનાવવાનું આયોજન કરી રહ્યા છે.
