વડોદરાની સુપ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં ફરી એકવાર વિદ્યાના ધામને કલંકિત કરતી અને શૈક્ષણિક માહોલને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક ક્લાસરૂમમાં ચાલુ લેક્ચર દરમિયાન એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીને ચુંબન કરવામાં આવ્યું હોવાનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.
વાયરલ થયેલો આ વીડિયો પરીક્ષા પૂર્વે શુક્રવારના દિવસે બન્યો હોવાનું અનુમાન છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર છે, તેમ છતાં યુવક-યુવતી દ્વારા જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ MSUના સત્તાધીશોના પાપે વિદ્યાર્થીઓ ‘છાકટા’ બન્યા હોવાના આક્ષેપોને વધુ વેગ આપ્યો છે.
ડીન ડૉ. કલ્પના ગવલીનું આકરૂં વલણ:
આ મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. કલ્પના ગવલીએ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “શિક્ષાના ધામમાં આવી અશ્લીલ હરકત ચલાવી લેવામાં નહીં આવે. આ હરકત કરનાર બંને યુવક-યુવતી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓની ભાળ મળતા જ તેમને રસ્ટિગેટ (Rusticate) કરવામાં આવશે. આ ઉપરાંત, આ વીડિયોને પોતાના મોબાઈલથી બનાવનાર અને વાયરલ કરનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને પણ બેદરકારી બદલ નોટિસ આપવામાં આવશે.
કોમર્સ ફેકલ્ટી પાસેનો વધુ એક વીડિયો:
આ એક વીડિયોનો વિવાદ શાંત થાય તે પહેલાં, MSUમાંથી વધુ એક અશ્લીલ વીડિયો વાયરલ થયો હોવાનું અનુમાન છે. આ વીડિયો કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ પાસેના પાર્કિંગ વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે, જેમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકતો કરતાં જોવા મળ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે આ વીડિયો બનાવીને વાયરલ કર્યો છે.
(નોંધ: ‘લોકવાણી’ આ વાયરલ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. જોકે, MSU સત્તાધીશોએ તપાસ શરૂ કરી દીધી છે.)
