આણંદ: ‘મિલ્ક સિટી’ આણંદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના માધ્યમથી ડંકો વગાડવા જઈ રહ્યું છે. આગામી ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની મુલાકાતે પધારશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ વિખ્યાત અમૂલ ડેરી ખાતે અત્યાધુનિક ‘AMUL AI’ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) પ્લેટફોર્મનું લોન્ચિંગ કરવાનો છે. આ પ્લેટફોર્મ પશુપાલકો અને ડેરી પ્રક્રિયામાં ચોકસાઈ અને ઝડપ લાવવા માટે માઈલસ્ટોન સાબિત થશે.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને હાઈ-લેવલ બેઠક
મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહાનુભાવો માટેની બેઠક વ્યવસ્થા અંગે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વહીવટી અને સુરક્ષા વ્યવસ્થા સજ્જ
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના રૂટ પર વાહનવ્યવહારનું નિયમન અને પાર્કિંગની સુવિધા, કાર્યક્રમ સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સાફ-સફાઈની કામગીરી, અમૂલ ડેરીના કેમ્પસમાં ટેકનિકલ સેટઅપ અને પ્રેઝન્ટેશનની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, GCMMF ના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મેહતા, અને અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર અમિત વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અમૂલ દ્વારા એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ પશુઓના સ્વાસ્થ્યની દેખરેખ, દૂધ ઉત્પાદનનું પૂર્વાનુમાન અને ડેરી સપ્લાય ચેઈનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે કરવામાં આવશે.
