સુરત: ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે સામાન્ય જનતા તો ઠીક, પોલીસ કર્મચારીઓ પર પણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત પોલીસ કમિશનર કચેરીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે અને કમિશનરના PA તરીકે ફરજ બજાવતા અક્ષય આહીર પર ગત રાત્રે નાના વરાછા વિસ્તારમાં હિંસક હુમલો કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત: ટ્રાફિક હટાવવો ગુનો બન્યો?
વિગતો મુજબ, અક્ષય આહીર રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પોતાની ફરજ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસોના જમાવડાને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક જવાબદાર પોલીસ કર્મચારી તરીકે અક્ષયભાઈ ગાડીમાંથી ઉતરી ટ્રાફિક ક્લિયર કરાવી રહ્યા હતા. તે દરમિયાન લક્ઝરી બસમાંથી ઉતરેલા બે શખ્સો અને એક કાર ચાલકે તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી.
પંચ વડે હુમલો અને ભાજપનો ખેસ
મામલો એટલો બિચક્યો કે કાર ચાલકે હેડ કોન્સ્ટેબલ અક્ષયનું ગળું પકડી લીધું હતું અને પોતાની પાસે રહેલા લોખંડના પંચ વડે તેમના મોઢા અને નાકના ભાગે આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં અક્ષય આહીરને નાકના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે કાર (નંબર તપાસ હેઠળ) માંથી હુમલાખોર આવ્યો હતો, તેમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો છે. કાર ચાલકની ઓળખ દિવ્યેશકુમાર વલ્લભભાઈ કસલા તરીકે થઈ છે, જે કતારગામ વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કાર્યવાહી: કાર કબજે, આરોપીઓની શોધખોળ
આ ઘટના બાદ કાપોદ્રા પોલીસ મથકમાં કાર ચાલક સહિત ત્રણ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હુમલામાં વપરાયેલી કાર કબજે કરી છે. પોલીસ કમિશનરના અંગત સ્ટાફ પર થયેલા આ હુમલાએ પોલીસ બેડામાં ભારે રોષ જગાવ્યો છે. રાજકીય વગ ધરાવતા શખ્સો સામે પોલીસ કેવા કડક પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર છે.
