સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ બજેટમાં વરાછા વિસ્તારના પાયાના પ્રશ્નોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ મોરચો માંડ્યો છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત પત્ર પાઠવીને બજેટમાં પોતાના દ્વારા સૂચવેલા મુદ્દાઓને પ્રાધાન્ય આપવા અને જનતાની તકલીફો દૂર કરવા રજૂઆત કરી છે.
મહિલા સુરક્ષા અને પિંક BRTS નો પ્રશ્ન
કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે, બજેટમાં મહિલાઓ માટે ‘પિંક ટોયલેટ’ ની સુવિધાની વાત કરી તે આવકારદાયક છે. પરંતુ મહિલાઓની વાસ્તવિક સુરક્ષા માટે પાછલા ૫ વર્ષથી સતત ‘પિંક BRTS’ બસની રજૂઆત કરવામાં આવી રહી છે, જેની બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી. મહિલાઓની સલામત મુસાફરી માટે પિંક બસ શરૂ કરવી અનિવાર્ય હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું છે.
ખાડી પૂર અને સ્માર્ટ સિટી સામે સવાલો
ચોમાસામાં વરાછા અને આસપાસના વિસ્તારોમાં આવતા ખાડી પૂર અંગે તેમણે તંત્રને આડે હાથ લીધું હતું. તેમણે જણાવ્યું કે દર વર્ષે ખાડી પૂર આવે છે, બેઠકો થાય છે, આયોજનની વાતો થાય છે પરંતુ વાસ્તવિક ઉકેલ માટે કોઈ નક્કર આયોજન થતું નથી. ગંદકી અને મચ્છરોના ત્રાસથી લોકો પરેશાન છે. સ્માર્ટ સિટી અને મેગા સિટી તરીકે ઓળખાતા સુરત માટે આ બાબત શરમજનક હોવાનું તેમણે પત્રમાં ટાંક્યું છે.
બ્રિજની કામગીરીમાં વિલંબ અને પાયાની સુવિધાઓ
પત્રમાં અન્ય મહત્વના મુદ્દાઓ પણ રજૂ કરાયા છે. જેમાં અશ્વનીકુમાર-ફુલપાડા રીવર બ્રીજ જે તાપી નદી પર રેલવે બ્રિજને સમાંતર બનનારા આ બ્રિજની ૪ વર્ષથી વાતો થાય છે, પરંતુ કામ આગળ વધતું નથી. વરાછામાં રેસિડેન્ટ સોસાયટીઓમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીઝ બની જતાં સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે. ૪૫ વર્ષ જૂની સોસાયટીઓમાં રિઝર્વેશનના નામે રોડ-ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ન આપવી તે અન્યાયકર્તા છે. વરાછા વિસ્તારમાં જૂના હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ અને સ્વિમિંગ પૂલ બદ્તર હાલતમાં છે, જેનું સર્વે કરી રિનૉવેશન કરવું જોઈએ.
ધારાસભ્ય કુમાર કાનાણીએ બજેટમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરી લોકોની સુખાકારીમાં વધારો કરવા કમિશનરને આગ્રહ કર્યો છે.
