આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક કમિશનર મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મનપા સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર મિલિંદ બાપનાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓના સૂચનોને પોઝિટિવ રીતે સ્વીકારી પ્રજાલક્ષી કાર્યોમાં પરસ્પરના સંકલન દ્વારા ગતિ લાવવી અનિવાર્ય છે.
સ્વામી વિવેકાનંદની પ્રતિમા અને ટૂરિઝમનો વિકાસ
બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે એક મહત્વનું સૂચન કર્યું હતું કે, શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર અંબા માતાના મંદિર સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે. કમિશનરએ આ સૂચનને તાત્કાલિક ગ્રાહ્ય રાખી વહેલી તકે કલાત્મક સર્કલ સાથે પ્રતિમા મૂકવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત, આણંદના નાના-મોટા તળાવોને જોડીને અમદાવાદના કાંકરિયા જેવું જ ‘મિની કાંકરિયા’ પ્રવાસન સ્થળ બનાવવાનું આયોજન પણ ચર્ચાયું હતું. બાકરોલ તળાવને બોટિંગ સુવિધા સાથે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેક રજૂઆતો
સાંસદ અને ધારાસભ્યશ્રીએ બેઠકમાં અનેક પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં મુખ્યત્વે:
- કન્વેન્શન સેન્ટર: વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે અત્યાધુનિક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ.
- ટ્રાફિક અને બ્રિજ: ભાઈ કાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રિજ અને અટલ ચોક ઓવરબ્રિજની કામગીરીમાં ઝડપ.
- રોડ-રસ્તા: બાકરોલ ગેટ થી જોળ સુધી ફોર લેન રોડ અને કરમસદ-લાંભવેલ લિંક રોડના કામો.
- સુવિધાઓ: ગામડીમાં સ્ટ્રોમ વોટર લાઈન, વિવિધ સોસાયટીઓમાં ગટર લાઈન અને નવીન સ્ટ્રીટ લાઈટો નાખવી.
- થીમ પાર્ક: ટાઉનહોલનું નવીનીકરણ કરી આજુબાજુ થીમ પાર્ક બનાવવો.
અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે. ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત ફોરેસ્ટ, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનરએ તમામ વિભાગોને પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો.
