ગાંધીનગર: ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિધાનસભાની અતિ મહત્વપૂર્ણ ગણાતી ચાર નાણાકીય સમિતિઓને બિનહરીફ ચૂંટાયેલી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય સંસદીય અને વિધાન સમિતિઓના પ્રમુખોની પણ સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન, વહીવટી પારદર્શિતા, જાહેર ખર્ચની સમીક્ષા અને કલ્યાણકારી યોજનાઓના મોનિટરિંગમાં આ સમિતિઓની ભૂમિકા સર્વોચ્ચ હોય છે.
મુખ્ય નાણાકીય સમિતિઓ અને તેમના પ્રમુખો
ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૫૬(૧) અન્વયે અધ્યક્ષ દ્વારા ચાર મહત્વની નાણાકીય સમિતિઓના પ્રમુખોની નિમણૂક નીચે મુજબ કરવામાં આવી છે:
અંદાજ સમિતિ (Estimates Committee): પ્રમુખ તરીકે સી.જે. ચાવડા (વિજાપુર મતવિસ્તાર)
જાહેર હિસાબ સમિતિ (Public Accounts Committee – PAC): પ્રમુખ તરીકે પંકજભાઈ દેસાઈ (નડીઆદ મતવિસ્તાર)
જાહેર સાહસો માટેની સમિતિ (Committee on Public Undertakings): પ્રમુખ તરીકે રમણલાલ વોરા (ઇડર મતવિસ્તાર)
પંચાયતી રાજ સમિતિ (Panchayati Raj Committee): પ્રમુખ તરીકે ઉદય કાનગડ (રાજકોટ-પૂર્વ મતવિસ્તાર)
અન્ય મહત્વની બિન નાણાકીય અને વિધાન સમિતિઓ
વિધાનસભાના સુચારૂ સંચાલન અને સામાજિક કલ્યાણ માટે અન્ય ધારાસભ્યોને પણ પ્રમુખપદની મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે:
- અરજી સમિતિના પ્રમુખ તરીકે ઉપાધ્યક્ષ પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી
- ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે વિરમગામના ધારાસભ્ય હાર્દિક ભરતભાઈ પટેલ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ (OBC Welfare)ના પ્રમુખ તરીકે અલ્પેશ ખોડાજી ઠાકોર
- અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ (SC Welfare)ના પ્રમુખ તરીકે માલતી કિશોરભાઈ મહેશ્વરી
- અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ (ST Welfare)ના પ્રમુખ તરીકે મોહનભાઈ ઢોડિયા
- સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિના પ્રમુખ તરીકે અમીત પોપટલાલ શાહ
- વિશેષાધિ પ્રમુખ (વિશેષાધિકાર સમિતિ)ની પ્રમુખ તરીકે કેશુભાઈ શિવદાસભાઈ પટેલ
- બિન-સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના પ્રમુખ તરીકે અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ
- સભ્યોના ભથ્થા અંગેના નિયમો માટેની સમિતિના પ્રમુખ તરીકે મુકેશ ઝીણાભાઈ પટેલ
- સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના પ્રમુખ તરીકે વિનોદ અમરશીભાઈ મોરડિયા
- સદસ્ય નિવાસ સમિતિના પ્રમુખ તરીકે સંગીતાબહેન રાજેન્દ્રભાઈ પાટીલ
- સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિના પ્રમુખ તરીકે મેઘજીભાઈ અમરાભાઈ ચાવડા
(નોંધ: નિયમો માટેની સમિતિ અને ગ્રંથાલય સમિતિના પ્રમુખ તરીકે સ્વયં માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કાર્યભાર સંભાળશે).
અધ્યક્ષે પાઠવી શુભેચ્છાઓ
આ તમામ નિયુક્તિઓ અંગે સત્તાવાર જાહેરાત કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ સમિતિઓના નવનિર્વાચિત પ્રમુખો અને સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ સમિતિઓ પક્ષભેદથી ઉપર ઉઠીને રાજ્યના હિતમાં, નાણાકીય શિસ્ત જાળવવામાં અને પ્રજાલક્ષી કાર્યોના મૂલ્યાંકનમાં પોતાની અસરકારક કામગીરી બજાવશે.
