જામનગર: આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ મધમાખી દિવસ’ (World Bee Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં મધ-ક્રાંતિના મશાલચી બનેલા જામનગરના જોડિયા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઈ ભીમાણીની સફળતાની વાર્તા દરેક માટે પ્રેરણાદાયી છે. એક સમયે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરતા હરસુખભાઈને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનના એક પુસ્તકે મધમાખી પાલન તરફ વાળ્યા હતા. આઈન્સ્ટાઈને લખ્યું હતું કે, “જે દિવસે પૃથ્વી પરથી મધમાખી નાશ પામશે, તેના માત્ર ચાર જ વર્ષમાં માનવ સૃષ્ટિનો અંત આવી જશે.” આ વૈજ્ઞાનિક સત્ય હરસુખભાઈના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે આ અણમોલ જીવને બચાવવા સાથે તેને જ પોતાનો વ્યવસાય બનાવવાનું નક્કી કર્યું.
સરકારની સબસિડી અને માર્ગદર્શનથી ભ્રમ ભાંગ્યો
શરૂઆતમાં સ્થાનિક ખેડૂતોમાં એવો ડર હતો કે મધમાખીઓ પાકના ફૂલોનો રસ ચૂસી લેશે તો ઉત્પાદન ઘટી જશે. ખેડૂતોના આ ભ્રમને તોડવા ગુજરાત સરકારનો બાગાયત વિભાગ હરસુખભાઈની વહારે આવ્યો. સરકારે ૫૦ બોક્સ ખરીદવા માટે રૂ. ૧.૨૫ લાખની સબસિડી આપી અને ખેડૂતોને સમજાવ્યું કે મધમાખીથી ઉત્પાદન ઘટતું નથી પણ પરાગનયન (Pollination) ને કારણે પાક વધુ પરિપક્વ બને છે. હરસુખભાઈએ આ વૈજ્ઞાનિક પદ્ધતિ સાબિત કરી બતાવી, જેના કારણે રાજ્ય સરકારે તેમને સત્તાવાર ‘બી બ્રીડર’ તરીકે રજિસ્ટર કરી વ્યવસાય વધારવા વધુ રૂ.૫ લાખની સહાય મંજૂર કરી.

૫૦ બોક્સથી ૨,૧૦૦ બોક્સની સફર અને ‘વનતારા’ માં એન્ટ્રી
માત્ર ૫૦ બોક્સથી શરૂ થયેલી હરસુખભાઈની સફર આજે ૨,૧૦૦ બોક્સે પહોંચી છે. તેઓ વર્ષે ૨૦,૦૦૦ કિલો મધનું ઉત્પાદન કરીને વાર્ષિક રૂ. ૧૦ લાખની ચોખ્ખી નેટ આવક મેળવે છે. તેમની મધમાખી વ્યવસ્થાપનની અદ્ભુત નિપુણતાને કારણે જ આજે તેઓ જામનગર ખાતે અંબાણી પરિવારના ડ્રીમ પ્રોજેક્ટ ‘વનતારા’ (Vantara) ખાતે પણ મધમાખી ઉછેર પ્રકલ્પના મેનેજમેન્ટમાં પોતાનો સક્રિય સહયોગ આપી રહ્યા છે.
દેશભરમાં સ્થળાંતર અને 100% શુદ્ધ અહિંસક મધ
હરસુખભાઈ ‘સન કૃપા હની બી ફાર્મ’ બ્રાન્ડ હેઠળ સંપૂર્ણપણે ‘અહિંસક’ પદ્ધતિથી મધ એકત્ર કરે છે, જેમાં મધમાખીને સહેજ પણ ઈજા પહોંચાડવામાં આવતી નથી. મધની ૧૦0 ટકા શુદ્ધતા જાળવવા તેઓ ઋતુ પ્રમાણે મધમાખીના બોક્સને વાહનો દ્વારા જુદા-જુદા રાજ્યોમાં લઈ જાય છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન જ્યારે રાજસ્થાનના ભરતપુર અને કોટામાં સરસવનો પાક ખીલે છે ત્યારે, અને ક્યારેક ઝારખંડના રાંચી સુધી તેઓ માખીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. વાવાઝોડામાં એક જ રાતમાં ૩૦૦ બોક્સ નષ્ટ થવા છતાં તેઓ હિંમત હાર્યા વિના ફરી બેઠા થયા હતા.
‘બી-વેનમ થેરાપી’ દ્વારા મફત સારવાર
હરસુખભાઈ માત્ર આર્થિક લાભ જ નથી મેળવતા પરંતુ પરોપકારનું કાર્ય પણ કરે છે. તેઓ મધમાખીના ઝેર એટલે કે ‘બી-વેનમ થેરાપી’ (Bee-Venom Therapy) દ્વારા સાંધાના અસહ્ય દુખાવા અને ગઠિયા વાના દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરે છે. અત્યાર સુધીમાં ૭૦૦થી વધુ દર્દીઓ તેમની આ થેરાપીથી પીડામુક્ત બન્યા છે. તેઓ નવા યંગસ્ટર્સને સલાહ આપે છે કે માત્ર સબસિડીની લાલચમાં આવ્યા વિના, યોગ્ય તાલીમ લઈને વૈજ્ઞાનિક ઢબે આ વ્યવસાયની શરૂઆત કરવી જોઈએ.
