ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા પોલીસ સ્ટેશન દેશનું પ્રથમ એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેને BIS (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) દ્વારા IS 15700 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ સિદ્ધિએ પોલીસ સેવાઓ અને માળખાગત સુવિધાઓના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “હું માણસામાં જ જન્મ્યો, માણસામાં જ મોટો થયો અને માણસાથી જ રાજ્ય અને દેશની રાજનીતિમાં યોગદાન આપવા માટેની યોગ્યતા કેળવી. આજે માણસા પોલીસ સ્ટેશનને BIS દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવ્યું, જે મારા માટે ખૂબ આનંદનો વિષય છે.”
ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને BIS IS 15700 સર્ટિફિકેટ મળ્યું છે.
?️ માણસા પોલીસ સ્ટેશન આ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ પોલીસ સ્ટેશન બન્યું છે. pic.twitter.com/3dtQ9Fc8kE— Gujarat Police (@GujaratPolice) September 2, 2025
આ સર્ટિફિકેટ પોલીસ સ્ટેશનની કાર્યક્ષમતા, પારદર્શિતા અને નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તાનું પ્રતીક છે. IS 15700 માપદંડ સેવાઓની ડિલિવરી, ફરિયાદોનું નિવારણ, અને ભૌતિક માળખાના ઉચ્ચ ધોરણોને સુનિશ્ચિત કરે છે. માણસા પોલીસ સ્ટેશને આ સર્ટિફિકેટ મેળવીને દેશના અન્ય પોલીસ સ્ટેશનો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સિદ્ધિ ગુજરાત પોલીસની નાગરિક-કેન્દ્રિત સેવાઓ અને વ્યવસ્થાપન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
