ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક એવા સોમનાથ મંદિરને વિશ્વ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખે છે. પરંતુ આ પવિત્ર ધામ હવે માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત નથી રહ્યું, તે મહિલા સશક્તિકરણનું એક સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બનીને ઊભર્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નવી દિશા પૂરી પાડવામાં આવી રહી છે.
રોજગારી અને આર્થિક સ્વાતંત્ર્ય
સોમનાથ મંદિર ટ્રસ્ટમાં હાલ કુલ ૯૦૬ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમાંથી ૨૬૨ મહિલાઓ છે. આ માત્ર આંકડો નથી પરંતુ ટ્રસ્ટની સમાન અવસરની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કુલ મળીને ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પો દ્વારા ૩૬૩ મહિલાઓને સીધી રોજગારી મળી રહી છે. આ મહિલાઓ દ્વારા વર્ષે અંદાજે ૯ કરોડ રૂપિયાની આવક સર્જાઈ રહી છે, જે તેમના આર્થિક સ્વાવલંબન અને સામાજિક ગૌરવમાં મોટો વધારો કરે છે.
બિલ્વ વન: નારીશક્તિના કુશળ સંચાલનનું પ્રતીક
મંદિર પરિસરમાં આવેલું પવિત્ર ‘બિલ્વ વન’ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે, તે ગૌરવની બાબત છે. અહીં કાર્યરત ૧૬ મહિલાઓ પર્યાવરણ સંરક્ષણ અને હરિત સંવર્ધનની સાથે મંદિરની પવિત્રતા જાળવી રહી છે. આ વ્યવસ્થા મહિલાઓના કુશળ મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વિવિધ વિભાગોમાં મહિલાઓનું પ્રદાન
- પ્રસાદ વિતરણ: શિસ્ત અને વિશ્વાસની જરૂર હોય તેવી પ્રસાદ વિતરણની કામગીરીમાં ૫૫ મહિલાઓ સક્રિય છે.
- ભોજનાલય: હજારો શ્રદ્ધાળુઓને ભોજન પીરસવાની સેવાકીય કામગીરીમાં ૩૫ મહિલાઓ ખડેપગે રહીને ભક્તિભાવ સાથે ફરજ બજાવે છે.
- વહીવટી અને સુરક્ષા: ટ્રસ્ટમાં ૨૫૨ મહિલાઓ વિવિધ વહીવટી અને સુરક્ષાના પદો પર નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહી છે.
આમ, સોમનાથ મંદિર ટ્રસ્ટે આધ્યાત્મિક વારસાને સામાજિક જવાબદારી સાથે જોડીને મહિલા સશક્તિકરણનું એક એવું મોડેલ ઊભું કર્યું છે, જે સમગ્ર દેશ માટે અનુસરવા યોગ્ય છે. શ્રદ્ધાના આ પવિત્ર ધામમાંથી આજે આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની સુગંધ પ્રસરી રહી છે.
