નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધ વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશભરમાં ફાટી નીકળેલા આંદોલનના પરિણામે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
કાઠમંડુમાં અનેક દિવસોથી ચાલી રહેલા પ્રદર્શનોએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ ભક્તપુરના બાલકોટ સ્થિત પૂર્વ વડાપ્રધાન ઓલીના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત, પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસીને બંને ગૃહોને આગ લગાડી હતી અને સમગ્ર સંસદ ભવન પર કબજો કરી લીધો હતો.
આ પહેલાં, સોમવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા હતા અને ૪૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ યુવા વર્ગ (Gen-Z) દ્વારા શરૂ થયેલા આ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા હતા. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ પૌડેલ સહિતના ટોચના નેતાઓના નિવાસ્થાનોને પણ આગ લગાડી હતી.
આ ઘટનાક્રમ બાદ વડાપ્રધાન ઓલી પર રાજીનામું આપવા માટે ભારે દબાણ હતું. વિપક્ષ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પર પણ તેમની પાર્ટીને સત્તાધારી ગઠબંધનમાંથી પાછી ખેંચી લેવા માટે દબાણ વધી રહ્યું છે, જે ઓલી સરકારના પતનનું કારણ બની શકે છે. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
