- ‘માય વડોદરા માય પ્રાઇડ’ના નાદ સાથે શહેરને મળશે નવો લુક
- ટ્રાફિકની સમસ્યા ઉકેલવા આંતરરાષ્ટ્રીય સ્તરનું સંશોધન અને 6 પાયલોટ પ્રોજેક્ટ શરૂ
- વડોદરામાં વહીવટી ક્રાંતિ: મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક
- ગતિશક્તિ અને ઓસ્ટ્રેલિયાની યુનિ. સાથે મળી ટ્રાફિક ડીકંજેશનનો એક્શન પ્લાન તૈયાર
વડોદરા: વડોદરા શહેરને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ આંતરરાષ્ટ્રીય સ્તરની પહેલ કરી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી રિવ્યુ બેઠકમાં વડોદરાના માર્ગોના વ્યવસ્થાપન માટે ગતિશક્તિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી (UNSW) સાથે કરાયેલા એમઓયુ (MoU) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હાલ શહેરના 6 મુખ્ય રોડ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ખાસ કરીને વડોદરા રેલ્વે સ્ટેશન અને સયાજીગંજ જેવા ભીડભાડવાળા વિસ્તારોને ‘ડીકંજેશન’ (ભીડમુક્ત) કરવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ કામ કરી રહી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ: 4 હજાર કોલ્સ દ્વારા નાગરિકોના રિવ્યુ
સ્વચ્છ સર્વેક્ષણ 2026 માં વડોદરાને અગ્રેસર બનાવવા માટે કમિશનર દ્વારા તમામ વોર્ડ ઓફિસરો સાથે મિટિંગ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 4 અઠવાડિયામાં નાગરિકોને 4 હજાર જેટલા કોલ્સ કરીને સ્વચ્છતા અંગેના પ્રતિસાદ લેવામાં આવ્યા છે. શહેરમાં હવે ‘માય વડોદરા માય પ્રાઇડ’ ના સૂત્ર સાથેના બોર્ડ લાગશે, જેથી નાગરિકોમાં શહેર પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધે. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે સ્વચ્છતા અભિયાનમાં જનભાગીદારી વધે તેવા પ્રયાસો કરવામાં આવે.
દબાણ અને રખડતા ઢોર સામે કડક કાર્યવાહી
શહેરના રસ્તાઓ પર ટ્રાફિક અવરોધતા દબાણો, રખડતા ઢોર અને શ્વાન બાબતે કમિશનર અરૂણ મહેશ બાબુએ આકરું વલણ અપનાવ્યું છે. આગામી દિવસોમાં આ સમસ્યાઓના નિવારણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા વોર્ડ ઓફિસરોને આદેશ અપાયા છે. માર્ગો ખુલ્લા અને સલામત રહે તે વહીવટી તંત્રની પ્રાથમિકતા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આવાસ અને શહેર વિકાસનું આયોજન
વડોદરાના મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ વર્ષે 10 થી 12 હજાર પીએમ આવાસ પૂરા પાડવાનું મહત્વાકાંક્ષી આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રાફિક અને સ્વચ્છતાની સાથે સાથે આવાસ યોજનાઓને વેગ આપીને વડોદરાના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા કમિશનરે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
