અમદાવાદ: ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા પર ૨૪x૭ કાર્યરત ‘GP-SMASH’ (Gujarat Police Social Media Analysis and Strategy Hub) પહેલ ફરી એકવાર લોકોની મદદ માટે આગળ આવી છે. આ પહેલ હેઠળ, કેનેડામાં રહેતા એક યુવાનની ઓનલાઈન છેતરપિંડીની સમસ્યાનું નિવારણ ઘરે બેઠા કરવામાં આવ્યું છે.
કેનેડામાં રહેતા યુવાને X પર કરેલી ફરિયાદના આધારે ગુજરાત પોલીસે રૂ. ૬૫ હજાર પરત અપાવ્યા..#GujaratPolice pic.twitter.com/bmkaZnj3qS— Gujarat Police (@GujaratPolice) August 31, 2025
કેનેડા સ્થિત એક યુવાને વડોદરાના એક વેપારી પાસેથી પોતાના લગ્નના કપડાં ખરીદવા માટે એડવાન્સ બુકિંગ અમાઉન્ટ જમા કરાવી હતી. પરંતુ, જ્યારે તેણે બુકિંગ રદ કર્યું, ત્યારે વેપારી રૂપિયા પરત કરી રહ્યો નહોતો. આથી, યુવાને X (અગાઉ ટ્વિટર) પર ગુજરાત પોલીસને ટેગ કરીને પોતાની સમસ્યાની એક પોસ્ટ મૂકી. આ પોસ્ટનું ધ્યાન GP-SMASH ટીમના ધ્યાન પર આવ્યું. સમયના તફાવત (ટાઈમ ઝોન) હોવા છતાં, પોલીસે તાત્કાલિક મોડી રાત્રે અરજદારનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ માહિતી મેળવી. પોલીસની આ ત્વરિત કાર્યવાહીના કારણે વેપારીએ બીજા જ દિવસે યુવાનના રૂ. ૬૫,૦૦૦ પરત કરી દીધા.
ગુજરાત પોલીસે આ યુવાનને માત્ર મદદ જ નથી કરી, પરંતુ પોતાની આ ‘GP-SMASH’ પહેલ દ્વારા દૂર રહેતા લોકોને પણ ખાતરી આપી છે કે તેઓ કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએથી મદદ માટે સંપર્ક કરી શકે છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગુજરાત પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કટિબદ્ધ છે.
