વડોદરા: વડોદરાના આંગણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ વન-ડે મેચનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. ૧૧મી જાન્યુઆરીએ રમાનારા આ મહામુકાબલા માટે બંને ટીમો વડોદરા પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી દીધા છે. વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી છે, ત્યારે આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતીય ટીમનું સઘન પ્રેક્ટિસ સેશન
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ આજે કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ માટે પહોંચ્યા હતા. કોચ ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ વિરાટ કોહલી, શુભમન ગીલ અને કુલદીપ યાદવ સહિતના સ્ટાર્સે નેટ્સમાં કલાકો સુધી પરસેવો પાડ્યો હતો. ભારતીય બેટ્સમેનોએ કોટંબીની પીચ પર મોટા શોટ્સ રમવાની પ્રેક્ટિસ કરી હતી, જ્યારે બોલરોએ સચોટ લાઈન અને લેન્થ સાથે મારો ચલાવ્યો હતો. ઘર આંગણે રમાનારી આ મેચ જીતીને ભારત શ્રેણીમાં પોતાની પકડ મજબૂત કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.
ન્યૂઝીલેન્ડની ટીમે પણ કરી તૈયારી
પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમે પણ આજે કોટંબી સ્ટેડિયમ ખાતે જોરશોરથી પ્રેક્ટિસ સેશન હાથ ધર્યું હતું. કિવી ટીમના બેટ્સમેનોએ પીચને સમજવા માટે લાંબો સમય બેટિંગ કરી હતી અને બોલરોએ પણ લય મેળવવા ધારદાર બોલિંગ કરી હતી. પ્રથમ વખત આ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની હોવાથી ન્યૂઝીલેન્ડના કોચ અને ખેલાડીઓ મેદાનની આઉટફિલ્ડ અને પવનની દિશાનું બારીકાઈથી નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.
૧૧મી જાન્યુઆરીએ જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને ટકરાશે, ત્યારે કોટંબી સ્ટેડિયમમાં ક્રિકેટનો અસલી રોમાંચ જોવા મળશે. ભારતીય ખેલાડીઓ અહીંની પરિસ્થિતિથી વાકેફ થવા માટે ખાસ રણનીતિ બનાવી રહ્યા છે.
