આણંદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાના ફેરિયાઓ અને લારી-ગલ્લાવાળાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલી ‘પીએમ સ્વનિધિ યોજના’ હેઠળ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેરળના તિરુવનંતપુરમ ખાતેથી વડાપ્રધાનએ દેશના ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો હતો, જેના લાઈવ પ્રસારણને આણંદ મનપાના સભાખંડમાં ૧૦૦થી વધુ ફેરિયાઓએ નિહાળ્યું હતું.
લોન ચેક અને ક્રેડિટ કાર્ડનું વિતરણ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એન.યુ.એલ.એમ. (NULM) વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા અને લીડ બેંક મેનેજર જગદીશ પાટીલના હસ્તે લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ૧૫ લાભાર્થીઓને સ્થળ પર જ ₹૧૫,૦૦૦/-, ₹૨૫,૦૦૦/- અને ₹૫૦,૦૦૦/- ની લોનના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કુલ ૮૦ લાભાર્થીઓની લોન મંજૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
ડિજિટલ બેંકિંગ અને ક્રેડિટ કાર્ડની સમજ
આ પ્રસંગે યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેંક અધિકારીઓ દ્વારા ફેરિયાઓને પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડના ફાયદા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા વ્યાજમાં મળતી સબસિડી અને કેશબેક વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. મનપાના એકાઉન્ટન્ટ અંકિતા બોહરા તેમજ NULM સ્ટાફે આ સમગ્ર પ્રક્રિયાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શેરી ફેરિયાઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરી, ખૂબ જ ઓછા વ્યાજે બેંક લોન અપાવી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. આણંદ મનપા દ્વારા આગામી દિવસોમાં વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
