સુરત: હીરા નગરી સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ અને અનિલ બગદાણાના વિવિધ ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સ (IT) વિભાગની તપાસ આજે સતત છઠ્ઠા દિવસે પણ યથાવત રહી છે. શહેરના 30 જેટલા સ્થળોએ એકસાથે શરૂ કરવામાં આવેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં 5 સ્થળોએ સર્ચ પૂર્ણ થયું છે, જ્યારે બાકીના સ્થળોએ હજુ પણ અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યા છે.
રોકડ અને જ્વેલરીનો મોટો જથ્થો જપ્ત
IT વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 6 દિવસ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં ₹20 કરોડની બિનહિસાબી રોકડ અને કરોડો રૂપિયાની કિંમતની સોના-ચાંદીની જ્વેલરી મળી આવી છે, જેને વિભાગ દ્વારા સીઝ કરવામાં આવી છે. સર્ચ દરમિયાન અનેક એવા વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટા પણ હાથ લાગ્યા છે જે મોટા પાયે ટેક્સ ચોરી તરફ ઈશારો કરે છે.
મેહુલ ચોક્સી કનેક્શન: વિદેશી વ્યવહારો રડારમાં
આ સર્ચ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે તપાસના છેડા ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી સુધી પહોંચ્યા હોવાની વિગતો બહાર આવી. આયકર વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું મેહુલ ચોક્સીના કરોડો રૂપિયા આ ગ્રુપ દ્વારા રોકાણ કરવામાં આવ્યા હતા? આ ઉપરાંત ગજેરા ગ્રુપના વિદેશમાં થયેલા નાણાકીય વ્યવહારોનો તાગ મેળવવા માટે આઈટીની ટીમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસી રહી છે. રિયલ એસ્ટેટ અને ડાયમંડ સેક્ટરમાં કરવામાં આવેલા રોકાણોમાં મોટા પાયે ‘ઓન-કેશ’ વ્યવહારો થયા હોવાની આશંકા છે.
સુરતના મોટા માથાઓમાં ફફડાટ
ગજેરા બંધુઓ સુરતના જાણીતા બિલ્ડર અને ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે, ત્યારે તેમની સામેની આ કાર્યવાહીને પગલે શહેરના અન્ય મોટા ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ ફેલાયો છે. સર્ચની કાર્યવાહી હજુ બે થી ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
