વડોદરા: વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂબંધીના કડક અમલ માટે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લક્ષ્મીપુરા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર પાદરા જવાના કટ નજીક વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી.
કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂનો જથ્થો
વોચ દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યું હતું. કન્ટેનરની સઘન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમાં ઉપરના ભાગે એક વિશેષ ગુપ્ત ખાનું (ચોરખાનું) બનાવવામાં આવ્યું હતું. આ ખાનું ખોલીને તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

આંકડામાં પોલીસની કાર્યવાહી
પોલીસે આ દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
- દારૂની બોટલોની સંખ્યા: કુલ 16,620 નંગ.
- દારૂની અંદાજિત કિંમત: રૂ. 94,23,600/-.
- કુલ જપ્ત મુદ્દામાલ: કન્ટેનર સહિત કુલ રૂ. 1,09,29,600/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
આરોપીની ધરપકડ
પોલીસે સ્થળ પરથી કન્ટેનર ચાલક ગોકલારામ પદમારામ જાટ (રહે. માનસીંગ કી બેરી ખારી, તા. ધોરીમના, જિ. બારમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ પ્રોહીબિશનના ગણનાપાત્ર કેસને શોધી કાઢીને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
