વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના તમામ કીમિયા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશનવાડી વિસ્તારમાં આવેલા એક બ્યુટી પાર્લર અને મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે બુટલેગરોએ દારૂનો જથ્થો દુકાનની છત એટલે કે પી.ઓ.પી. (POP) ના ભાગમાં છુપાવ્યો હતો.
રૂપિયા 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત
પીસીબીની ટીમે જ્યારે બાતમીવાળા સ્થળે તપાસ હાથ ધરી ત્યારે પ્રથમ દ્રષ્ટિએ બધું સામાન્ય જણાતું હતું. જોકે, ઝીણવટભરી તપાસ કરતા બ્યુટી પાર્લરની દુકાન અને મકાનના પી.ઓ.પી. માં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 2,61,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે.
એક ઝડપાયો, એક ફરાર
આ દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર અને બુટલેગર હિતેશ જયશ્વાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક કુખ્યાત બુટલેગર જીજ્ઞેશ ઉર્ફે જીગો પરમાર પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. પોલીસ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વારસીયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
બ્યુટી પાર્લર જેવા વ્યવસાયિક સ્થળનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવાના આ ગંભીર કિસ્સામાં વારસીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીસીબીએ પકડાયેલા આરોપી હિતેશની પૂછપરછ શરૂ કરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કેટલા સ્થળોએ આ રીતે દારૂ છુપાવવામાં આવ્યો છે.
