અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીમાં ‘અશાંતધારો’ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી અમદાવાદ મનપાના ઉમેદવારોની યાદીમાં પાલડી વિસ્તારની પસંદગીને લઈને આ વિવાદ છેડાયો છે.
કોંગ્રેસની ઉમેદવાર યાદી પર કટાક્ષ
તાજેતરમાં કોંગ્રેસે અમદાવાદ મનપા માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વોર્ડ નંબર-30 (પાલડી) માં લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ મુદ્દે ધારાસભ્ય અમિત શાહે કટાક્ષ કરતા લખ્યું કે, “વાહ રે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર.” તેમણે સીધો સંકેત આપ્યો છે કે અશાંતધારા હેઠળ આવતા વિસ્તારોમાં વસ્તીના સમીકરણો બદલવાના પ્રયાસો સામે ભાજપ સજાગ છે.

“અશાંતધારાનો કડક અમલ થશે”
ધારાસભ્ય અમિત શાહે વધુમાં સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે રાજ્યમાં અને ખાસ કરીને એલિસબ્રિજ વિસ્તારમાં અશાંતધારાનો કડક અમલ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “અશાંતધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોટે થશે.” આ વિધાનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ ચૂંટણીમાં આ મુદ્દાને મજબૂતીથી ઉઠાવશે.

પાલડી વોર્ડ નંબર-30 ના સમીકરણો
કોંગ્રેસની યાદી મુજબ વોર્ડ નંબર-30 (પાલડી) માં નીચે મુજબના ઉમેદવારો મેદાનમાં છે:
- સીમાબેન સોલંકી
- ફાહેજાબાનુ મો. ફારુક શેખ
- અર્જુન પ્રહલાદભાઈ નાયક
- રાગીનકુમાર રમેશભાઈ બેંકર
આ યાદીમાં લઘુમતી નામની એન્ટ્રી થતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અશાંતધારો એવો કાયદો છે જે અમુક વિસ્તારોમાં મિલકતના વેચાણ અને હસ્તાંતરણ પર નિયંત્રણ રાખે છે જેથી વસ્તીના માળખામાં ફેરફાર ન થાય. ચૂંટણી પહેલા આ મુદ્દો ઉછળતા હવે અમદાવાદની જનતા આને કઈ રીતે જુએ છે તે જોવું રસપ્રદ રહેશે.
