અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) માટે કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત રાજ્ય માટે વિવિધ સ્તરની સાત મહત્વની સમિતિઓની રચના કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.
દિગ્ગજ નેતાઓને મહત્વના હોદ્દા
પક્ષે આ વખતે જૂના અને અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મહત્વના સ્થાને મૂક્યા છે. મુખ્ય સમિતિઓ અને તેના પદાધિકારીઓની વિગતો નીચે મુજબ છે:
સ્ટ્રેટેજી કમિટી (Strategy Committee): પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને ચેરમેન અને લાલજી દેસાઈને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. હેમાંગ વસાવડા કન્વીનર તરીકે કામ કરશે.
પ્રચાર કમિટી (Campaign Committee): પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ચેરમેન પદ સોંપાયું છે, જ્યારે પરેશ ધાનાણી વાઈસ ચેરમેન અને ગેનીબેન ઠાકોર કન્વીનર રહેશે.
ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી: સિદ્ધાર્થ પટેલને ચેરમેન, જીજ્ઞેશ મેવાણીને વાઈસ ચેરમેન અને બિમલભાઈ શાહને કન્વીનર બનાવવામાં આવ્યા છે.
પ્રોગ્રામ અમલીકરણ કમિટી: પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરને ચેરમેન અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલને વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે.
મેનિફેસ્ટો કમિટી: શૈલેષ પરમારને ચેરમેન અને ઋત્વિક મકવાણાને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.
મીડિયા કમિટી: ડો. અમી યાજ્ઞિક ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે, જ્યારે લલિતભાઈ કગથરા વાઈસ ચેરમેન રહેશે.
પબ્લિસિટી કમિટી: કદીરભાઈ પીરઝાદાને ચેરમેન અને અનંત પટેલને વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે.


હાઈકમાન્ડનો સીધો હસ્તક્ષેપ
આ નિમણૂકો દર્શાવે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગંભીરતાથી લઈ રહ્યું છે. એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. જ્ઞાતિ સમીકરણો અને પ્રાદેશિક સંતુલન જાળવીને આ સમિતિઓ બનાવવામાં આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
