આણંદ: આણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હસમુખ પટેલના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સાધારણ સભા યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, રાજ્યમંત્રી કમલેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને જિલ્લાના વિવિધ ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સર્વાંગી વિકાસ માટેની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.
બજેટના મુખ્ય આંકડાઓ
વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં આણંદ જિલ્લા પંચાયતની આર્થિક સ્થિતિ નીચે મુજબ અંદાજવામાં આવી છે:
- સ્વભંડોળની આવક: ₹2405.41 લાખ
- સ્વભંડોળનો ખર્ચ: ₹2270.09 લાખ
- અંદાજિત પુરાંત: ₹135.32 લાખ
- કુલ બજેટ કદ (રાજ્ય સરકારની ગ્રાન્ટ સહિત): ₹1,71,406.99 લાખની આવક સામે ₹1,26,093.18 લાખના ખર્ચનો અંદાજ.
સામાજિક સુરક્ષા અને જનકલ્યાણની મોટી જોગવાઈઓ
આ વર્ષના બજેટમાં માનવીય અભિગમ સાથે કેટલીક નવીન બાબતો ઉમેરવામાં આવી છે:
- ખેડૂત સહાય: ખેડૂતના અકસ્માત મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકારની ₹4 લાખની સહાય ઉપરાંત જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વધારાની ₹35,000 ની સહાય આપશે.
- માતૃશક્તિ સન્માન: પ્રસૂતિ દરમિયાન માતાના મરણના કિસ્સામાં તેના વારસદારને ₹50,000 ની આર્થિક મદદ કરાશે.
- કુપોષણ મુક્ત અભિયાન: તાલુકા દીઠ શ્રેષ્ઠ કામગીરી કરતી ત્રણ ગ્રામ પંચાયતોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાશે.
- મહિલા કર્મચારીઓ માટે સુવિધા: જિલ્લા પંચાયત ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓ અને મુલાકાતીઓના બાળકો માટે ₹10 લાખના ખર્ચે આધુનિક ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે, જેનું આજે લોકાર્પણ કરાયું હતું. તેના મેન્ટેનન્સ માટે પણ ₹10 લાખની જોગવાઈ કરાઈ છે.

શિક્ષણ અને પાયાની સુવિધાઓ પર ભાર
બજેટમાં શિક્ષણ, બાંધકામ અને નાની સિંચાઈ માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા, રિપેરિંગ કામો, પશુ સારવાર કેમ્પ અને અનુસૂચિત જાતિ/બક્ષીપંચ વિસ્તારોમાં પેવિંગ બ્લોક તથા રોડ રસ્તાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
નોંધનીય છે કે, જિલ્લા પંચાયતની હાલની પાંચ વર્ષની મુદત ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ પૂર્ણ થઈ રહી છે. આ પ્રસંગે પ્રમુખશ્રીએ પાંચ વર્ષ દરમિયાન સાથ-સહકાર આપનાર તમામ સદસ્યો, અધિકારીઓ અને CSR અંતર્ગત મદદ કરનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
