ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કુદરત જાણે રૂઠી હોય તેમ ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અહેવાલ મુજબ, આગામી 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહીને પગલે ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
કયા જિલ્લાઓમાં થશે માવઠું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માવઠાની અસર વધુ જોવા મળશે. દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને અરવલ્લી જિલ્લામાં પણ 7 એપ્રિલે માવઠાની શક્યતા છે.
પવનની ગતિ વધશે અને માછીમારોને ચેતવણી
આવતીકાલથી જ રાજ્યમાં પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનના જોરને જોતા હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરિયામાં કરંટ જોવા મળી શકે છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આ સાવચેતી રાખવા જણાવાયું છે.
માવઠા બાદ ગરમીનું જોર વધશે
હાલ રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહત છે. જોકે, આ કમોસમી વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ તાપમાનમાં ફરી એકવાર મોટો ઉછાળો આવશે. હવામાન નિષ્ણાતોના મતે, માવઠા બાદ ગુજરાતના સરેરાશ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે, જેનાથી રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે.
ખેતીવાડી વિભાગે પણ ખેડૂતોને તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા સલાહ આપી છે જેથી માવઠાથી થતા નુકસાનને અટકાવી શકાય.
