ગાંધીનગર: ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા અને સામાજિક ગરિમા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006’ માં મોટા સુધારા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે થયેલી ગંભીર ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે. પાટીદાર, ક્ષત્રિય અને ઠાકોર સમાજ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખી આ સુધારો અમલી બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.
શું છે સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચિત નિયમો મુજબ હવે લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ ચુસ્ત અને પારદર્શક બનશે:
માતા-પિતાની જાણકારી: લગ્ન કરનાર યુગલે અરજી સાથે ડિકલેરેશન આપવું પડશે કે તેમણે આ લગ્ન બાબતે પોતાના માતા-પિતાને જાણ કરી છે.
દસ્તાવેજોની પૂર્તતા: અરજી સાથે વર-વધૂ અને સાક્ષીઓના આધાર કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી અને વિધિ દર્શાવતા ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે.
માતા-પિતાની વિગતો: વર-વધૂએ પોતાના માતા-પિતાના આધાર કાર્ડ, પૂરા નામ, સરનામાં અને મોબાઈલ નંબરની વિગતો આપવી ફરજિયાત રહેશે.
નોટરાઈઝ્ડ અરજી: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને સાક્ષીઓની સહી સાથે કાયદેસર રીતે નોટરાઈઝ્ડ કરાવીને રજૂ કરવાની રહેશે.
રજિસ્ટ્રારની ભૂમિકા અને નોટિફિકેશન
નવી પદ્ધતિ મુજબ, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અરજી મળ્યાના ૧૦ કામકાજના દિવસોમાં વર-વધૂના માતા-પિતાને ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક રીતે જાણ કરશે. તમામ વિગતોની ખાતરી અને પૂર્તતા થયાના ૩૦ દિવસ બાદ જ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ તમામ ડેટા સરકારના ઓનલાઇન પોર્ટલ પર સીરીયલ નંબર સાથે મૂકવામાં આવશે.


જનતા પાસે મંગાવાયા સૂચનો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ સૂચિત સુધારા અંગે આગામી ૩૦ દિવસમાં સામાન્ય જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ સૂચનોના આધારે કાયદાને અંતિમ ઓપ આપવામાં આવશે. આ નિર્ણયને વિપક્ષી નેતાઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આવકારી તેને વર્ષો જૂની પીડાનો અંત ગણાવ્યો છે.
