વડોદરા: રાજ્યમાં ટૂંક સમયમાં શરૂ થઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પરીક્ષાના ડરથી વિદ્યાર્થીઓ કોઈ અઘટિત પગલું ન ભરે અથવા માનસિક તણાવમાં ન રહે તે હેતુથી વડોદરા ‘શી ટીમ’ (SHE Team) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેર પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ ‘ઝિંદગી હેલ્પલાઇન’ કાર્યરત કરી છે.
‘ઝિંદગી હેલ્પલાઇન’ 7069944100 પર કરો સંપર્ક
જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાના કારણે મુંઝવણ અનુભવતા હોય, ડર લાગતો હોય કે હતાશામાં હોય, તો તેઓ કોઈપણ વિલંબ કર્યા વિના 7069944100 પર કોલ કરી શકે છે. આ નંબર પર કોલ કરતાની સાથે જ ‘શી ટીમ’ દ્વારા વિદ્યાર્થીનું કાઉન્સિલિંગ કરવામાં આવશે અને તેને હિંમત આપવામાં આવશે.
માત્ર કાઉન્સિલિંગ જ નહીં, રસ્તામાં અટવાશો તો પણ મદદ મળશે
વડોદરા પોલીસે આ વખતે વધુ સંવેદનશીલતા બતાવી છે. જો કોઈ પરીક્ષાર્થી:
- પરીક્ષાના દિવસે સેન્ટર પર જતી વખતે રસ્તામાં અટવાઈ જાય.
- વાહન બગડે કે ટ્રાફિકમાં ફસાઈ જાય.
- રસ્તો ભૂલી જાય અથવા પેન-કંપાસ જેવી જરૂરી સામગ્રી ભૂલી જાય.
તો પણ ‘શી ટીમ’ ને જાણ કરવાથી પોલીસ તાત્કાલિક તે વિદ્યાર્થીની મદદે પહોંચશે અને તેને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે મદદરૂપ થશે.
વાલીઓ માટે પણ સહાય ઉપલબ્ધ
વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ ઘણીવાર ચિંતામાં મુકાતા હોય છે. વડોદરા શહેર પોલીસના જણાવ્યા મુજબ, વાલીઓ પણ ‘ઝિંદગી હેલ્પલાઇન’ નો ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવી શકે છે. દરેક પોલીસ સ્ટેશનમાં ‘શી ટીમ’ ને કાઉન્સિલિંગ માટે ખાસ તાલીમ આપીને તૈનાત કરવામાં આવી છે. વડોદરા પોલીસની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ‘ટેન્શન ફ્રી’ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
