નવી દિલ્હી: વર્ષોથી ચાલી રહેલા અને દેશભરમાં ચર્ચા જગાવનારા ‘દિલ્હી દારૂ નીતિ’ (Liquor Policy) કૌભાંડમાં આજે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને વિજય નાયરને CBI સાથે જોડાયેલા કેસમાં તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત (Acquitted) કર્યા છે. આ ચુકાદાથી AAP નેતાઓને મોટી રાહત મળી છે.
કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી
ચુકાદો આપતી વખતે સ્પેશિયલ કોર્ટે તપાસ એજન્સી CBI ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું હતું કે, તપાસ એજન્સી કોઈ પણ પ્રકારનો ગુનાહિત ષડયંત્ર સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે માત્ર દાવાઓ કરવાથી ગુનો સાબિત થતો નથી, તેના માટે નક્કર અને વિશ્વસનીય પુરાવાઓની જરૂર હોય છે જે આ કેસમાં ક્યાંય દેખાતા નથી. પુરાવાઓના અભાવે કોર્ટે તમામ નેતાઓને ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો છે.
“સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં”
આ ચુકાદો આવ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પાર્ટીએ આ જીતને ‘સત્યની જીત’ ગણાવી છે. મનીષ સિસોદિયા અને કેજરીવાલે અગાઉ પણ અનેકવાર કહ્યું હતું કે આ કેસ સંપૂર્ણપણે રાજકીય કિન્નાખોરીથી પ્રેરિત છે અને આજે કોર્ટના ચુકાદાએ તે વાત પર મહોર લગાવી દીધી હોવાનું AAP ના પ્રવક્તાઓએ જણાવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે ૨૦૨૧-૨૨ માં નવી આબકારી નીતિ અમલમાં મૂકી હતી, જેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે CBI અને ED એ તપાસ શરૂ કરી હતી. આ કેસમાં કેજરીવાલ અને સિસોદિયાએ જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જોકે, હવે CBI કેસમાં મળેલા આ છુટકારા બાદ આગામી સમયમાં ED કેસ પર તેની શું અસર પડે છે તે જોવું રસપ્રદ રહેશે.
