કચ્છ: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુન્દ્રા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત મેઘરાજ બારોટે પોતાની કોઠાસૂઝ અને વર્ષોની મહેનતથી ખારેકની એવી જાત વિકસાવી છે જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. તેમની દ્વારા વિકસાવવામાં આવેલી ‘સોના-100’ નામની ખારેકની જાતને ‘પ્લાન્ટ પ્રોટેક્શન વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ’ (PPV&FRA) અંતર્ગત દિલ્હી ખાતે ભારતની પ્રથમ અધિકૃત ‘પબ્લિક વેરાયટી’ તરીકે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
પાંચ વર્ષના પરીક્ષણ બાદ મળી સફળતા
આ જાતનું રજીસ્ટ્રેશન એમ જ નથી થયું, પરંતુ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU) ના વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષ સુધી ‘સોના-100’ નું ઝીણવટભર્યું પરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિવિધ વાતાવરણમાં તેની ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતાની ચકાસણી કર્યા બાદ જ તેને સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દાંતીવાડા ખાતે આયોજિત સમારોહમાં ખેડૂત મેઘરાજભાઈને આ સન્માનજનક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

શું છે ‘સોના-100’ ની વિશેષતાઓ?
કચ્છના ખારેક પકવતા ખેડૂતો માટે આ જાત આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેમાં અનેક ખાસિયતો છે:
ફળની ગુણવત્તા: તેના ફળ લાલ ચટ્ટક રંગના અને આકર્ષક હોય છે, જેનું સરેરાશ વજન ૨૫ ગ્રામથી પણ વધુ હોય છે.
અત્યંત મીઠાશ: બજારમાં ઉપલબ્ધ અન્ય જાતોની સરખામણીમાં ‘સોના-100’ વધુ સ્વાદિષ્ટ અને મીઠી છે.
વરસાદ સામે રક્ષણ: કચ્છમાં ઘણીવાર વહેલા વરસાદને કારણે ખારેકનો પાક બગડી જતો હોય છે, પરંતુ આ જાત વરસાદી વાતાવરણ સામે ટકી રહેવાની અદભૂત ક્ષમતા ધરાવે છે.
બમણું ઉત્પાદન: સામાન્ય રીતે ખારેકના વૃક્ષ કરતા આ જાત પ્રતિ વૃક્ષ ૧૦૦ થી ૧૨૫ કિગ્રા જેટલું મબલખ ઉત્પાદન આપે છે.
ખેડૂતો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખુલશે
આ રજીસ્ટ્રેશન બાદ હવે આ જાતના છોડ અને ટેકનોલોજી અન્ય ખેડૂતો સુધી પણ પહોંચી શકશે. મેઘરાજ બારોટની આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે જો ખેડૂત પરંપરાગત જ્ઞાન સાથે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો ખેતીને ખરેખર નફાકારક બનાવી શકાય છે. કચ્છની ખારેક હવે માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પોતાની નવી ઓળખ પ્રસ્થાપિત કરવા તૈયાર છે.
