વડોદરા: સંસ્કારી નગરી વડોદરા માટે આજનો મંગળવાર અવિસ્મરણીય અને ઐતિહાસિક બની રહ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્કિયોલોજી વિભાગમાં વર્ષ 1963 થી અત્યંત જતનપૂર્વક સાચવી રાખવામાં આવેલા ભગવાન ગૌતમ બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને આજે રાજકીય સન્માન સાથે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સંમેલનમાં લાખો ભાવિકોના દર્શનાર્થે આ અવશેષોને ત્યાં લઈ જવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ કરી પુષ્પાંજલિ અને ધાર્મિક વિધિ
આ પવિત્ર અવશેષોને વિદાય આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ વડોદરા પધાર્યા હતા. યુનિવર્સિટી કેમ્પસમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં બુદ્ધિસ્ટ સંતો દ્વારા મંત્રોચ્ચાર અને જાપ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ ફેલાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
રાજકીય સન્માન અને શોભાયાત્રા
ભગવાન બુદ્ધના અસ્થિઓને ફૂલોથી શણગારવામાં આવેલી ખાસ કારમાં રાખવામાં આવ્યા હતા. અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા અને ત્યારબાદ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. MSUમાં અભ્યાસ કરતા વિવિધ દેશના વિદ્યાર્થીઓએ પોતાના રાષ્ટ્રધ્વજ સાથે અસ્થિ કળશનું સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા બાદ આ અવશેષોને એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વિશેષ પ્લેન મારફત વાયા દિલ્હી થઈને તે શ્રીલંકા પહોંચશે.
રાજમાતાની ઈચ્છા: વડોદરામાં બને ભવ્ય સ્તૂપ
આ પ્રસંગે રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ગાયકવાડ પરિવાર અને MSU માટે આ અત્યંત ગૌરવની વાત છે કે અમે આટલા વર્ષો સુધી આ અમૂલ્ય વારસો સાચવ્યો. મારી ઈચ્છા છે કે વડોદરામાં ભગવાન બુદ્ધનો એક ભવ્ય સ્તૂપ બનાવવામાં આવે અને તેમાં આ અવશેષોને કાયમી સ્થાપિત કરવામાં આવે.”
દેવની મોરીનું મહત્વ
ઉલ્લેખનીય છે કે, આ પવિત્ર અવશેષો સાબરકાંઠાના દેવની મોરી ખાતે થયેલા ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા. તે સમયથી એમ.એસ. યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં તેને સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ અવશેષોને વિદેશ મોકલવાના નિર્ણયથી વૈશ્વિક સ્તરે ભારતની સાંસ્કૃતિક વિરાસતની ઓળખ વધુ મજબૂત બની છે.
