નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સહકારી સંઘવાદને મજબૂત કરવાના હેતુથી સરકારે 16મા નાણા પંચની મહત્વની ભલામણનો સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય કરવેરામાં રાજ્યોનો હિસ્સો (વર્ટિકલ શેર) 41 ટકા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યો પાસે વિકાસકામો માટે વધુ નાણાકીય સંસાધનો ઉપલબ્ધ થશે.
₹1.4 લાખ કરોડની માતબર ગ્રાન્ટની જોગવાઈ
નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2026-27માં રાજ્યોને નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹1.4 લાખ કરોડ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાં ગ્રામીણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (પંચાયતો અને નગરપાલિકાઓ) ના વિકાસનો સમાવેશ થાય છે. આપત્તિ વ્યવસ્થાપન માટે પણ વિશેષ ભંડોળ ફાળવવામાં આવશે, જેથી કુદરતી હોનારતો સામે રાજ્યોની સજ્જતા વધશે.
રાજકોષીય ખાધ અને દેવાં અંગે માસ્ટર પ્લાન
સરકાર સામાજિક જવાબદારીઓ સાથે નાણાકીય શિસ્ત પણ જાળવી રહી છે.
રાજકોષીય ખાધ (Fiscal Deficit): વર્ષ 2025-26 ના સુધારિત અંદાજ મુજબ ખાધ 4.4% હતી, જે 2026-27 માં ઘટાડીને 4.3% રાખવાનો લક્ષ્યાંક છે.
દેવાં-જીડીપી રેશિયો: ભારત 2030-31 સુધીમાં ડેટ-ટુ-જીડીપી રેશિયો 50±1 ટકા સુધી લાવવાના લક્ષ્યાંક પર છે. વર્ષ 2026-27 માં આ રેશિયો ઘટીને 55.6% રહેવાનો અંદાજ છે.
બજેટના મુખ્ય આંકડાઓ એક નજરે:
| વિગત | અંદાજિત રકમ (2026-27) |
| કુલ ખર્ચ | ₹53.5 લાખ કરોડ |
| મૂડી ખર્ચ (Capex) | ₹11 લાખ કરોડ (RE 25-26) |
| ચોખ્ખી કર પ્રાપ્તિ | ₹28.7 લાખ કરોડ |
| બજાર ઉધાર (Gross) | ₹17.2 લાખ કરોડ |
નાણા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર મૂડી ખર્ચ (Capital Expenditure) પર ભાર મૂકી રહી છે, જે લાંબા ગાળે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીમાં મોટો વધારો કરશે. 16મા નાણા પંચે પોતાનો અહેવાલ 17 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો, જેની ભલામણો પર હવે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.
