ગાંધીનગર: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ‘રિફોર્મ એક્સપ્રેસ’ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સામાન્ય લોકોના હિતને સર્વોપરી રાખ્યું છે અને આ બજેટ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરનારું સાબિત થશે.
GYAN પીલર્સ અને સામાજિક ન્યાય
મુખ્યમંત્રીએ બજેટના મુખ્ય પાયા અંગે વાત કરતા જણાવ્યું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપતું બજેટ છે. તેમાં GYAN એટલે કે ‘ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ’ તથા દિવ્યાંગજનના પીલર્સ મજબૂત થશે. આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ, સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે અને MSME પર ભાર મૂકવામાં આવ્યો છે તેનાંથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટીક્સ સેવાઓ મળતી થશે.
ગુજરાતના ઉદ્યોગ અને લોજિસ્ટિક્સને મોટો વેગ
બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ‘ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર’ની જાહેરાતથી ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગને ઝડપી લોજિસ્ટિક્સ સેવાઓ પ્રાપ્ત થશે. MSME ક્ષેત્ર માટે કરવામાં આવેલી નવી જોગવાઈઓથી રાજ્યના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ટકવા માટે મોટું પીઠબળ મળશે.
વિરાસત અને પ્રવાસનનો સંગમ
મુખ્યમંત્રીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટેની જાહેરાતો પર હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે :
લોથલ અને ધોળાવીરા: દેશના 15 પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થવાથી ‘વિરાસત ભી, વિકાસ ભી’નો મંત્ર સાકાર થશે.
જામનગર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર: આ સેન્ટરના અપગ્રેડેશનથી આયુર્વેદ અને પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધશે.
રોજગારી: દેશના 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરિસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના પ્રવાસન સ્થળોએ સ્થાનિક રોજગારીની નવી તકો સર્જાશે.
મુખ્યમંત્રીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને સતત 9મી વાર બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
