ડાકોર: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મહાપર્વ નિમિત્તે યોજાનારા મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલ એટલે કે અગિયારસથી ડાકોર મંદિરમાં ફાગોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. સમગ્ર ડાકોર નગરી ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે ગૂંજી ઉઠશે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા અભેદ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીજીની સવારી અને હોળીના રંગો
શુક્રવારે સાંજે ડાકોરમાં અબીલ અને ગુલાલની છોળો વચ્ચે ભગવાન રણછોડરાયની ભવ્ય સવારી નીકળશે. આ સવારી નિજ મંદિરથી પ્રસ્થાન કરી ગૌશાળા, લાલબાગ અને મહાલક્ષ્મી મંદિર થઈને મોડી સાંજે પરત ફરશે. અગિયારસથી પૂનમ સુધી મંદિરમાં ભગવાનને ધરાવાતા દરેક ભોગ સાથે અબીલ-ગુલાલ ઉડાડવામાં આવશે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે.
‘સ્વચ્છ અને સુંદર ખેડા’ થીમ સાથે અનોખું આયોજન
ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વખતે મેળામાં ‘સ્વચ્છ અને સુંદર ખેડા’ થીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
રાસ્કાથી ડાકોરનો માર્ગ: મહેમદાવાદના રાસ્કાથી ડાકોર સુધીના પદયાત્રીઓના રૂટ પર સ્વચ્છતાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
યાત્રિકોની સુવિધા: ચાલતા આવતા લાખો પદયાત્રીઓને પાણી, આરામ અને તબીબી સુવિધાઓમાં કોઈ તકલીફ ન પડે તેનું વહીવટી તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચના રોજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરએ આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાવા માટે જાહેર જનતાને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા
મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા ભીડનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.
