વડોદરા: વડોદરાના ઐતિહાસિક સયાજીબાગ પ્રાણીસંગ્રહાલય (Sayajibaug Zoo) માં ફરી એકવાર વનરાજની ગર્જના સાંભળવા મળશે. લાંબા સમયથી સિંહ વિના ખાલી પડેલા એન્ક્લોઝરને કારણે સહેલાણીઓમાં જોવા મળતી નિરાશા હવે દૂર થશે. વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરેલી અસરકારક રજૂઆત બાદ, વડોદરાને સિંહની નવી જોડી આપવા માટે સૈદ્ધાંતિક સંમતિ મળી ગઈ છે.
‘સ્મૃદ્ધિ’ ના નિધન બાદ એન્ક્લોઝર હતું ખાલી
ઉલ્લેખનીય છે કે, ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સયાજીબાગ ઝૂની એકમાત્ર એશિયાટિક સિંહણ ‘સ્મૃદ્ધિ’ નું સર્પદંશના કારણે આકસ્મિક અવસાન થયું હતું. સ્મૃદ્ધિના નિધન બાદ ઝૂનું સિંહ એન્ક્લોઝર સુમસામ બની ગયું હતું. વડોદરા આવતા પ્રવાસીઓ ખાસ કરીને એશિયાટિક સિંહ જોવા માટે આતુર હોય છે, પરંતુ સિંહ ન હોવાથી મુલાકાતીઓને નિરાશ થઈને પરત ફરવું પડતું હતું.
સાંસદની રજૂઆત અને મુખ્યમંત્રીનો સકારાત્મક પ્રતિસાદ
સાંસદ ડો. હેમાંગ જોષીએ આ ગંભીર બાબતને ધ્યાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી કે વડોદરાના ઝૂની શાન ગણાતા સિંહની નવી જોડી તાત્કાલિક ફાળવવામાં આવે. મુખ્યમંત્રીએ આ બાબતની ગંભીરતા સમજીને સાંસદ સાથે ખાસ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક બાદ સિંહોને વડોદરા લાવવાની પ્રક્રિયાને વેગ મળશે.

ટૂંક સમયમાં આવશે સિંહની જોડી
સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગના સંકલનથી ગીર અથવા શક્કરબાગ ઝૂમાંથી સિંહની જોડી વડોદરા લાવવામાં આવશે. આ સમાચારથી વડોદરાના પ્રાણીપ્રેમીઓ અને ખાસ કરીને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
