પંચમહાલ: વૈશ્વિક ઈંધણ સંકટ અને વડાપ્રધાન મોદીના કરકસરના આહવાન વચ્ચે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાદગી અને પર્યાવરણ સરક્ષણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલ જિલ્લાના બે દિવસીય પ્રવાસ અર્થે હાલોલ પહોંચવા માટે રાજ્યપાલએ કોઈ વીઆઈપી (VIP) કાફલો કે હેલિકોપ્ટર વાપરવાને બદલે એક સામાન્ય નાગરિકની જેમ જાહેર પરિવહનનો ઉપયોગ કર્યો હતો. તેઓ આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી એસ.ટી. બસ (ST Bus) માં બેસીને હાલોલ આવ્યા હતા.
બસ સ્ટેશનથી યુનિવર્સિટી સુધી સાયકલ સવારી
હાલોલ બસ સ્ટોપ પર ઉતર્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ત્યાંથી સાયકલ ચલાવીને ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય’ ના સત્તાવાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રાજ્યપાલને સાયકલ ચલાવતા જોઈ સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય અને આદરની લાગણી જોવા મળી હતી. આ પ્રેરણાદાયી સાયકલ યાત્રામાં તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જોડાયા હતા.
હવાઈ યાત્રા પર સ્વૈચ્છિક પ્રતિબંધનો મોટો નિર્ણય
આ પ્રસંગે પત્રકારો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા રાજ્યપાલએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “જ્યાં સુધી દેશમાં પેટ્રોલિયમ અને ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય, ત્યાં સુધી હું રાજ્યના કોઈપણ પ્રવાસ માટે સરકારી હેલિકોપ્ટર કે હવાઈ મુસાફરીનો ઉપયોગ નહીં કરું. હું ટ્રેન, એસ.ટી. બસ અને જાહેર પરિવહનના માધ્યમો દ્વારા જ પ્રવાસ ખેડીશ.”
યુનિવર્સિટીઓ માટે ‘કમ્બશન એન્જિન મુક્ત દિવસ’ નો આદેશ
પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત કેમ્પસ માટે રાજ્યપાલએ ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. તમામ યુનિવર્સિટીઓએ સપ્તાહમાં ઓછામાં ઓછો એક દિવસ ‘કમ્બશન એન્જિન મુક્ત’ (Combustion Engine Free) દિવસ તરીકે ઉજવવો પડશે. આ નિર્ધારિત દિવસે તમામ શિક્ષકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલના વાહનો લાવવાના બદલે સાયકલ, ઇલેક્ટ્રિક વાહન (EV) અથવા જાહેર પરિવહન સેવાઓનો જ ઉપયોગ કરવાનો રહેશે.
અંતમાં તેમણે ગુજરાતના તમામ નાગરિકોને દેશહિતમાં પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને પ્રધાનમંત્રીના ઈંધણ બચતના આહવાનને સફળ બનાવવા માટે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા ભાવભરી અપીલ કરી હતી.
