સુરત: કહેવાય છે કે જો મનમાં સાચી દેશભક્તિ હોય તો ઈશ્વર પણ તમારી વારે આવે છે. સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સામાન્ય નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાઠોડની જિંદગીમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જીતેન્દ્રસિંહ કોઈ સામાન્ય રક્ષક નથી, પણ તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને ૨૦૨૬ સુધીના ૨ લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને તેમના પરિવારની વિગતો એકત્રિત કરી છે. તેમની આ અનોખી સેવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ‘મન કી બાત’માં બિરદાવી હતી, અને હવે તેમને સપરિવાર દિલ્હી તેડાવ્યા છે.
ખાતામાં 102 રૂપિયા અને PMO નો ફોન
આ ઘટના પાછળની વાસ્તવિકતા અત્યંત ભાવુક છે. ૧૦ દિવસ પહેલા જ્યારે જીતેન્દ્રસિંહ એક લગ્ન પ્રસંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ડ્યુટી કરી રહ્યા હતા, ત્યારે તેમને વડાપ્રધાન કાર્યાલય (PMO) માંથી ફોન આવ્યો અને પ્રજાસત્તાક પર્વ પર દિલ્હી આવવાનું આમંત્રણ મળ્યું. જોકે, આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે તેમના બેંક ખાતામાં માત્ર ૧૦૨ રૂપિયા જ હતા. દિલ્હી જવાનું ભાડું પરવડે તેમ ન હોવાથી PMO દ્વારા જ તેમની અને તેમના પરિવારની ફ્લાઈટ ટિકિટ કરાવવામાં આવી હતી. જીતેન્દ્રસિંહ અને તેમની પત્નીએ જીવનમાં પહેલીવાર વિમાન મુસાફરી કરી દિલ્હી પહોંચ્યા છે.
2 લાખ શહીદ પરિવારો સાથે પોસ્ટકાર્ડથી જોડાયેલા
જીતેન્દ્રસિંહ રાઠોડ પોતાની સિક્યુરિટીની ડ્યુટીની સાથે સાથે શહીદોના પરિવારોને પોસ્ટકાર્ડ લખીને સંવેદના પાઠવે છે. અત્યાર સુધીમાં તેમણે બે લાખથી વધુ પરિવારોનો સંપર્ક કર્યો છે. તેમનું સપનું છે કે સુરત કે ગુજરાતમાં એક ભવ્ય ‘શહીદ સ્મારક હોલ’ બને, જ્યાં તમામ શહીદોની વિગતો અમર કરવામાં આવે. તેઓ માને છે કે આ પ્રોજેક્ટ ગુજરાતનું બીજું ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ બની શકે છે, જે આવનારી પેઢીને રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપશે.
નવા ભારતના નિર્માણનો સંકલ્પ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન જીતેન્દ્રસિંહ પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટની રજૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, “મારો ઉદ્દેશ્ય દેશમાં નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનો તૈયાર કરવાનો છે. મારું બાકીનું આખું જીવન દેશ માટે સમર્પિત છે.” એક સામાન્ય સિક્યુરિટી ગાર્ડની આ અસાધારણ મંજિલ આજે કરોડો ભારતીયો માટે પ્રેરણાનું ઝરણું બની છે.
