ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી (SS Rajamouli) એ આજે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરીને ચાહકોમાં ઉત્સાહનું મોજું ફેલાવી દીધું છે. રાજામૌલીએ ટ્વીટ કરીને જાહેરાત કરી કે ગ્લોબલ સ્ટેજ પર ભારતીય સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) તેમની ફિલ્મમાં જોવા મળશે. આ જાહેરાત બાદ તરત જ સોશિયલ મીડિયા પર #PriyankaChopraIsBack ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
રાજામૌલીએ પ્રિયંકા ચોપરાનો ‘મંદાકિની’ (Mandakini) તરીકેનો ધમાકેદાર પોર્ટર શેર કર્યો હતો. આ પોસ્ટરમાં પ્રિયંકા પીળી સાડીમાં, હાથમાં બંદૂક સાથે એક્શન અવતારમાં જોવા મળી રહી છે, જે કોઈ ગુફા કે રહસ્યમય જગ્યા પર છલાંગ મારતી હોય તેવું દૃશ્યમાન થાય છે.
પ્રિયંકાનો એક્શન લૂક: “તે જે દેખાય છે તેના કરતાં વધુ છે”
પોસ્ટર શેર કરતાં એસ.એસ. રાજામૌલીએ ટ્વીટ કર્યું હતું કે, “તે મહિલા, જેણે વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે. સ્વાગત છે પાછું, દેશી ગર્લ! @priyankachopra.” તેમણે આગળ કહ્યું, “દુનિયા તમારી ‘મંદાકિની’ની અસંખ્ય છાયાઓને જુએ તેની રાહ જોઈ શકતો નથી. #GlobeTrotter”
પ્રિયંકા ચોપરાએ પણ પોતાના પાત્રને રજૂ કરતાં ટ્વીટ કર્યું હતું, “તે જે દેખાય છે તેના કરતાં વધુ છે… ‘મંદાકિની’ને મળો. #GlobeTrotter”
ચાહકોમાં ઉત્સાહ: “સિનેમા પાછું આવ્યું”
પ્રિયંકાના આ લૂકને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે અને ચાહકો તેના વખાણ કરતાં થાકતા નથી. એક યુઝરે ટ્વીટ કર્યું, “આ માત્ર એક પોસ્ટર નથી, તે એક નિવેદન છે, પ્રિયંકા ચોપરા પાછી આવી છે અને હવામાં તેજસ્વીતા અનુભવાય છે. દરેક ફેન કમેન્ટમાં ગર્વ દેખાય છે. #PriyankaChopraIsBack” અન્ય યુઝરે લખ્યું, “જે ક્ષણે પ્રિયંકા ચોપરા ફરીથી દેખાઈ, બધું તેજસ્વી લાગ્યું. તેની શાંત શક્તિ, તેની ગ્રેસ, તેનો ગ્લો – ગ્લોબ ટ્રોટર માત્ર એક કમબેક નથી, તે સિનેમાનું અસ્તિત્વ શા માટે છે તેની યાદ અપાવે છે. #PriyankaChopraIsBack”
‘ગ્લોબટ્રોટર’ની જાહેરાત
મહત્વનું છે કે આ ફિલ્મમાં દક્ષિણના સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે. આ ફિલ્મની #Globetrotter ઈવેન્ટની જાહેરાત પણ કરવામાં આવી છે, જે નવેમ્બર 15મીએ, સાંજે 5:30 વાગ્યે સ્ટાર સિનેમાસ, અલ ઘુરૈર સેન્ટર, દુબઈ ખાતે યોજાશે. આ ઇવેન્ટમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા સહિત અન્ય કલાકારો અને નિર્માતાઓની હાજરી જોવા મળશે.
